હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીના ટિકરી કલાનમાં સીએનજી પંપ પર ટ્રકની ગેસ ટાંકી ફાટતા ભયાનક ધડાકો: 3ના મોત : અનેક લોકો ગંભીર રીતે ઘાયલ
ટિકરી કલાન મેટ્રો સ્ટેશન નજીક સીએનજી પંપ પર ગેસ રિફિલિંગ વખતે હાઇ પ્રેશરને કારણે સર્જાયો કરુણ અકસ્માત : પ્રચંડ ધડાકાથી આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલા ટિકરી કલાન મેટ્રો સ્ટેશન નજીકના એક સીએનજી સ્ટેશન પર બુધવારે બપોરે લગભગ ૩:૩૭ વાગ્યે એક અત્યંત દર્દનાક દુર્ઘટના ઘટી. સામાન્ય દિવસોની જેમ પંપ પર વાહનોની અવરજવર ચાલુ હતી ત્યારે એક ટ્રકમાં સીએનજી ગેસ ભરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક અત્યંત ઊંચા દબાણ અથવા ટેકનિકલ ખામીને કારણે ટ્રકની સીએનજી ટાંકીમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને પંપ પર હાજર લોકો જીવ બચાવવા માટે નાસભાગ મચાવી મૂકી હતી.
આ કાળજાળ વિસ્ફોટની સીધી ચપેટમાં ગેસ ભરી રહેલો પંપ કર્મચારી આવી ગયો હતો. પશ્ચિમ દિલ્હીની બાબા હરિદાસ કોલોનીના ૨૫ વર્ષીય રહવાસી મનીષ નામના કર્મચારીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યું હતું. આ ઉપરાંત વિસ્ફોટ સમયે ટ્રકની આસપાસ ઊભેલા અન્ય અડધો ડઝન જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ધડાકાની તીવ્રતાના કારણે ધુમાડાના ગોટા ઉડ્યા હતા, પરંતુ સદનસીબે મુખ્ય ગેસ સ્ટોરેજ લાઇન સુધી આગ ન ફેલાતા એક અત્યંત ભયાનક હોનારત ટળી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસની અડધો ડઝન ગાડીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર ધસી ગયો હતો. ફાયર ટુકડીઓએ સર્વપ્રથમ સાવચેતીના પગલારૂપે સીએનજી પંપનો મુખ્ય ગેસ સપ્લાય સંપૂર્ણપણે કટ-ઓફ કર્યો હતો જેથી કેમિકલ લીકેજ કે વધુ અકસ્માત અટકી શકે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ ખામી કે ગેસ પ્રેશરના કારણે આ દુર્ઘટના સર્જાઈ તે અંગેની વિસ્તૃત તપાસ ચલાવવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
