News of Wednesday, 19th August 2026
ગરમ સમોસાનો સ્વાદ કોર્ટ સુધી પહોંચ્યો: એક પ્લેટ નાસ્તા માટે વકીલ પર હુમલો અને ₹૧૯,૫૦૦ ની લૂંટનો આક્ષેપ
વારાણસીમાં ઠંડા સમોસા આપવા બાબતે શરૂ થયેલી સામાન્ય દલીલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું; ચૌબેપુર પોલીસે સુનાવણી ન કરતા એડવોકેટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા : ACJM કોર્ટના આદેશ બાદ મીઠાઈની દુકાનના માલિક સહિત ૫ સામે એફઆઈઆર દાખલ

વારાણસી: ધાર્મિક અને સાંસ્કૃતિક નગરી વારાણસીમાંથી એક અત્યંત અનોખી અને રસપ્રદ કાનૂની લડાઈનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર બે ગરમ સમોસા મેળવવાની ઈચ્છા એક વકીલ માટે કોર્ટના ચક્કર કાપવાનું કારણ બની ગઈ. ૨૨ ફેબ્રુઆરીના રોજ એડવોકેટ શિવશંકર સિંહ ચંદૌલીથી વારાણસી તરફ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને ભૂખ લાગતા તેઓ ચૌબેપુર પોલીસ સ્ટેશન હેઠળના જલ્હુપુર બજારમાં આવેલી એક સ્થાનિક મીઠાઈની દુકાને રોકાયા હતા. તેમણે દુકાનદાર પાસે કડક શબ્દોમાં "ગરમ સમોસા" માંગ્યા હતા, પરંતુ દુકાનદારે તેમને એકદમ ઠંડા સમોસા આપ્યા. વકીલે આનો વિરોધ કરીને સમોસા પરત આપવાનો પ્રયાસ કર્યો ત્યારે વાતચીત હિંસક વળાંક તરફ ફંટાઈ ગઈ હતી.
એડવોકેટ શિવશંકર સિંહના જણાવ્યા અનુસાર, ઠંડા સમોસા પાછા આપતા જ દુકાન માલિક ગુપ્તેશ્વર સિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. જોતજોતામાં આ સામાન્ય તકરાર મારામારીમાં ફેરવાઈ ગઈ હતી અને દુકાનદાર, તેનો પુત્ર સોમેશ્વર સિંહ, એક કર્મચારી તથા અન્ય કેટલાક લોકોએ મળીને વકીલ પર હુમલો કરી દીધો હતો. આરોપ છે કે હુમલા દરમિયાન આ ગુસ્સે ભરાયેલા લોકોએ વકીલના ખિસ્સામાંથી ₹૧૯,૫૦૦ ની રોકડ રકમ સરી લીધી હતી અને તેમના ગળામાંથી સોનાની ચેઈન પણ આંચકી લીધી હતી. આ ઘટના બાદ પીડિત વકીલ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ પ્રત્યે ઉદાસીનતા દર્શાવી હતી.
પોલીસ સ્ટેશનમાં લગભગ ત્રણ કલાક સુધી બેસાડી રાખવા છતાં જ્યારે ચૌબેપુર પોલીસે FIR નોંધવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, ત્યારે પીડિત વકીલે કાયદાકીય માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. તેમણે વારાણસીની ACJM (અડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ) કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. અદાલતે આ બાબતને ગંભીરતાથી લઈને લગભગ છ મહિનાની કાનૂની પ્રક્રિયા બાદ ચૌબેપુર પોલીસને તાત્કાલિક કેસ દાખલ કરવાનો કડક આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશના પગલે પોલીસે હવે મીઠાઈની દુકાનના માલિક ગુપ્તેશ્વર સિંહ અને તેમના પુત્ર સોમેશ્વર સિંહ સહિત પાંચ લોકો વિરુદ્ધ IPC ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
