<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

શિમલાથી મોટો નિર્ણય: હિમાચલમાં કરાર આધારિત કર્મચારીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, સીનિયોરિટી અને નાણાકીય લાભો અંગે વહીવટી વિભાગો લેશે અંતિમ નિર્ણય

તાજ મોહમ્મદ કેસમાં હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે રાખ્યો બહાલ: રાજ્ય સરકારની પિટિશન ફગાવી દેવાતા હજારો કરારબદ્ધ કર્મચારીઓની વર્ષો જૂની સેવાનો લાભ મળવાનો માર્ગ સાફ

શિમલા : હિમાચલ પ્રદેશમાં કરાર (કોન્ટ્રાક્ટ) ધોરણે ફરજ બજાવતા હજારો સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વના અને ખુશીના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ હવે રાજ્યના સંબંધિત વહીવટી વિભાગો કરાર આધારિત કર્મચારીઓની સિનિયરિટી (વરિષ્ઠતા) અને નાણાકીય લાભો અંગે અંતિમ નિર્ણય લેશે. અહેવાલ મુજબ, આ નિર્ણયથી વર્ષોથી કોન્ટ્રાક્ટ પર સેવા આપતા હજારો કર્મચારીઓને સીધો લાભ મળશે.

 

ચર્ચિત 'તાજ મોહમ્મદ કેસ'માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે ૨૫ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ હિમાચલ પ્રદેશ સરકારી કર્મચારી ભરતી અને સેવા શરતો અધિનિયમ, ૨૦૨૪ ને રદ કર્યો હતો. આ નિર્ણય સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરી હતી, જેને દેશની સર્વોચ્ચ અદાલતે ૨૯ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ કર્મચારી વિભાગે તમામ વહીવટી સચિવો, કમિશનરો અને વિભાગીય વડાઓને સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી દીધી છે.

 

નિર્ણયોમાં પારદર્શિતા અને એકરૂપતા લાવવાનો પ્રયાસ

નવી માર્ગદર્શિકા અનુસાર, કોર્ટના આદેશોની સમીક્ષા અને અમલીકરણ માત્ર વહીવટી વિભાગ સ્તરેથી જ કરવામાં આવશે. કોઈ પણ ફિલ્ડ ઓફિસર અથવા ડ્રોઈંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર (DDO) વિભાગની પૂર્વ મંજૂરી વિના પોતાની મેળે નિર્ણય લઈ શકશે નહીં.

 

સરકારના આ પગલાનો મુખ્ય હેતુ રાજ્યના વિવિધ વિભાગોમાં નિર્ણયોની એકરૂપતા અને પારદર્શિતા જાળવવાનો છે. આ કોર્ટ ચુકાદાથી કર્મચારીઓની નિયમિતતા પૂર્વેની કરારબદ્ધ સેવાઓને વરિષ્ઠતા, પ્રમોશન અને આર્થિક લાભો માટે ગણતરીમાં લેવાનો માર્ગ મોકળો થયો છે. વહીવટી વિભાગો હવે કર્મચારીઓના સર્વિસ રેકોર્ડની ચકાસણી કરીને નિયમાનુસાર આગળની પ્રક્રિયા હાથ ધરશે.

(6:29 PM IST)