<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

બલુચિસ્તાનમાંથી સેના હટાવો નહીંતર ખાલી હાથે ભાગવું પડશે: બલૂચ નેતા મીર યારનું પાકિસ્તાનને આખરી અલ્ટીમેટમ, ૧૯૭૧ના બાંગ્લાદેશ યુદ્ધની યાદ અપાવી આપી ચેતવણી

સ્વતંત્ર બલુચિસ્તાનને આંતરરાષ્ટ્રીય માન્યતા આપવા વૈશ્વિક સમુદાયને અપીલ: પાકિસ્તાની સેનાને યુદ્ધ જહાજો, ટેન્ક અને શસ્ત્રો છોડીને પ્રદેશ ખાલી કરવા કડક આદેશ

ઈસ્લામાબાદ : પાકિસ્તાન અને બલુચિસ્તાન વચ્ચે ચાલી રહેલો સશસ્ત્ર સંઘર્ષ હવે અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. બલૂચ અલગતાવાદી નેતા મીર યાર બલોચે પાકિસ્તાની સરકાર અને તેની સેનાને બલુચિસ્તાનનો પ્રદેશ તાત્કાલિક ખાલી કરવા માટે આકરું અલ્ટીમેટમ આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં, તેમણે પાકિસ્તાની સૈન્યને બલુચિસ્તાનમાંથી તમામ સુરક્ષા દળો પાછા ખેંચવા અને પ્રદેશને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારવા માંગ કરી છે. આ સાથે જ તેમણે વૈશ્વિક સમુદાયને પણ બલુચિસ્તાનની સ્વતંત્રતાને માન્યતા આપવા હાકલ કરી છે.

 

બલૂચ નેતાએ પાકિસ્તાની સેના પર બલુચિસ્તાનના કુદરતી સંસાધનો અને ખનિજોની બંદૂકની અણીએ ગેરકાયદેસર લૂંટ કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પાકિસ્તાની સૈન્યની હાજરી બલૂચ નાગરિકોના જીવન, સંપત્તિ અને વેપાર-રોજગાર માટે મોટો ખતરો છે. તેમણે માંગ કરી છે કે સેના, ફ્રન્ટિયર કોર્પ્સ અને પોલીસમાં કામ કરતા તમામ બિન-બલોચ નાગરિકો તુરંત આ પ્રદેશ છોડી દે.

 

૧૯૭૧ના યુદ્ધનો ઉલ્લેખ કરી શસ્ત્રો મુકી દેવા આહ્વાન

પાકિસ્તાની સેનાને પ્રદેશ છોડતી વખતે તમામ સૈન્ય સાધનો જેવા કે યુદ્ધ જહાજો, હેલિકોપ્ટર, ટેન્ક અને તોપખાના બલુચિસ્તાનમાં જ મૂકી જવાનો આદેશ આપવામાં આવ્યો છે. મીર યારે દાવો કર્યો હતો કે આ તમામ શસ્ત્રો બલુચિસ્તાનની સંપત્તિ અને સંસાધનોમાંથી ખરીદવામાં આવ્યા છે. ૧૯૭૧ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે, "જેમ ૧૯૭૧માં બાંગ્લાદેશમાં હાર્યા બાદ પાકિસ્તાની દળોએ પોતાના શસ્ત્રો આત્મસમર્પણ કર્યા હતા, તેમ હવે બલુચિસ્તાનમાંથી બહાર નીકળતી વખતે સેનાને એક પણ ગોળી પોતાની સાથે લઈ જવા દેવામાં આવશે નહીં."

 

પાકિસ્તાન બલુચિસ્તાનમાં યુદ્ધ હારી ચૂક્યું હોવાનો દાવો કરતા તેમણે ઉમેર્યું હતું કે બલૂચ જનતા પોતાના પર થયેલા અત્યાચારો અને સામૂહિક હત્યાકાંડને ક્યારેય ભૂલશે નહીં. પાકિસ્તાન પોતાના હિતમાં બલુચિસ્તાનની સ્વતંત્રતા સ્વીકારી લે તે જ તેના માટે શ્રેષ્ઠ રહેશે.

(6:39 PM IST)