<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણના એંધાણ વચ્ચે મંત્રીઓને સોશિયલ મીડિયા 'સ્કોરકાર્ડ' સોંપાયા : કામગીરીના આધારે રેન્કિંગ જાહેર

ઈન્સ્ટાગ્રામ પર મજબૂત પકડ ધરાવતા સાંસદોને કેબિનેટમાં સ્થાન મળવાની તકો વધુ હોવાની સંભાવના : ૧ મે થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધીના સોશિયલ મીડિયા પરફોર્મન્સનું કરાયું ગહન મૂલ્યાંકન - ન્યૂઝફર્સ્ટ

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણની ઘડીઓ ગણાવાની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે આજે યોજાયેલી મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં તમામ કેન્દ્રીય મંત્રીઓને તેમના સોશિયલ મીડિયા પરફોર્મન્સના આધારે તૈયાર કરવામાં આવેલું ‘સ્કોરકાર્ડ’ અને રેન્કિંગ સોંપવામાં આવ્યા છે. મંત્રીમંડળના પુનઃગઠન પૂર્વે હાથ ધરવામાં આવેલી આ કવાયતથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

**૧ મે થી ૧૫ ઓગસ્ટ સુધીની કામગીરીનું મૂલ્યાંકન:**
આ મૂલ્યાંકનમાં ૧ મે થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન મંત્રીઓની ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) અને ફેસબુક પરની સક્રિયતાને ધ્યાને લેવામાં આવી હતી. જેમાં મંત્રીઓ દ્વારા કરાયેલી પોસ્ટ્સ, કન્ટેન્ટ પર મળેલું કુલ અને સરેરાશ એન્ગેજમેન્ટ, લાઈક્સ તેમજ ફોલોઅર્સની સંખ્યાના આધારે રેન્કિંગ નક્કી કરાયા છે. મહત્વની વાત એ છે કે આ સરખામણી માત્ર મંત્રીઓ વચ્ચે જ નહીં, પરંતુ શાસક પક્ષ અને વિપક્ષના અગ્રણી નેતાઓ સાથે બેન્ચમાર્ક કરીને કરવામાં આવી હતી. તમામ મંત્રીઓને સોશિયલ મીડિયા પર સક્રિયતા, લોકો સાથેનો સીધો સંવાદ અને સાર્થક ઇન્ટરેક્શન વધારવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

**ઇન્સ્ટાગ્રામ પર સક્રિયતા ધરાવતા નેતાઓને મળી શકે છે તક:**
મંત્રીમંડળના કદ અને સ્વરૂપને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે ઇન્સ્ટાગ્રામ પર મંત્રીઓની સક્રિયતા, વિઝિબિલિટી અને ફોલોઅર બેઝ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જે સાંસદો ઇન્સ્ટાગ્રામ પર મજબૂત પકડ, ઉંચુ એન્ગેજમેન્ટ અને મોટો ફોલોઅર બેઝ ધરાવે છે, તેમને આગામી મંત્રીમંડળના ફેરબદલમાં કેબિનેટમાં સ્થાન મળવાની સંભાવનાઓ વધુ ઉજ્જવળ બની છે. આ અંગેની સત્તાવાર વિગતો અને જાહેરાતની હજુ રાહ જોવાઈ રહી છે.

(6:39 PM IST)