<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

દર ત્રીજું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કપાવાની શક્યતા !

દિલ્હીમાં વિશેષ મતદાર પુનઃચકાસણી બાદ કરોડો મતદારો અંગે મોટો ખુલાસો : નોંધાયેલા ૧.૪૫ કરોડ મતદારોમાંથી માત્ર આશરે ૯૭.૪૭ લાખ મતદારોના ગણતરી ફોર્મ એકત્રિત કરીને સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે: માત્ર ૬૭ ટકા મતદારોના ફોર્મ પ્રાપ્ત થતાં બાકીના આશરે ૪૭.૬૨ લાખ મતદારોને "અનટ્રેસેબલ" અથવા "ફોર્મ ન મળેલા" વર્ગમાં મૂકવામાં આવી શકે છે

નવી દિલ્હી : દિલ્હીમાં ચાલી રહેલી વિશેષ સઘન મતદાર યાદી પુનઃચકાસણી (એસ.આઈ.આર.) પ્રક્રિયા બાદ આગામી સપ્તાહે જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં લગભગ દર ત્રીજા મતદારનું નામ દૂર થવાની શક્યતા સામે આવી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ચકાસણી અભિયાન પૂર્ણ થયા બાદ નોંધાયેલા તમામ મતદારોમાંથી માત્ર આશરે ૯૭.૪૭ લાખ મતદારોના ગણતરી ફોર્મ એકત્રિત કરીને સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે.

જ્યારે આ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે દિલ્હીની મતદાર યાદીમાં કુલ આશરે ૧.૪૫ કરોડ મતદારો નોંધાયેલા હતા. તે પૈકી માત્ર અંદાજે ૬૭ ટકા મતદારોના ફોર્મ પ્રાપ્ત થતાં બાકીના આશરે ૪૭.૬૨ લાખ મતદારોને "અનટ્રેસેબલ" અથવા "ફોર્મ ન મળેલા" વર્ગમાં મૂકવામાં આવી શકે છે.

ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ આવા કેસોમાં ઘર બંધ હોવું, મતદારનું સ્થળાંતર થઈ જવું, મતદારનું અવસાન થઈ જવું, ડુપ્લિકેટ નોંધણી હોવી અથવા અન્ય કારણોનો સમાવેશ થાય છે. ચકાસણી દરમિયાન બૂથ લેવલ અધિકારીઓ (બી.એલ.ઓ.) દ્વારા ઘરેઘરે જઈને મતદારોને ફોર્મ આપવામાં આવ્યા હતા, તેમની માહિતી ભરાવવામાં મદદ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિગતો પોર્ટલ પર અપલોડ કરવામાં આવી હતી.

આ પ્રાથમિક આંકડાઓને પગલે દિલ્હીની રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. હવે આગામી સપ્તાહે પ્રકાશિત થનારી ડ્રાફ્ટ મતદાર યાદી અને ત્યારબાદની દાવા-આપત્તિ પ્રક્રિયા પર સૌની નજર મંડાઈ છે. ચૂંટણી પંચ દ્વારા અંતિમ યાદી જાહેર થાય તે પહેલાં પાત્ર મતદારોને જરૂરી પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે તેમ એ અંગ્રેજી દૈનિક  એક્સપ્રેસનો પ્રસિદ્ધ થયેલો અહેવાલ નોંધે છે. 

(6:41 PM IST)