<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

NEET UG પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં NTA પર ઉઠ્યા આકરા સવાલો: ૧૦૧ ભલામણો અમલમાં હોવા છતાં ફરી પેપર કેમ લીક થયું? FAIMA એ શિક્ષણ મંત્રાલયની કામગીરી સામે કર્યા પ્રહારો

ડૉ. કે. રાધાકૃષ્ણન સમિતિના સૂચનોનો સંપૂર્ણ અમલ કેમ ન થયો? ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશને પેપર સેટર્સ સામે કડક કાયદાકીય સજાની કરી માંગણી

નવી દિલ્હી : મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG માં વારંવાર સામે આવતા પેપર લીક અને અનિયમિતતાના વિવાદે ફરી એકવાર દેશભરમાં ભારે ચકચાર જગાવી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામા સામે તીખી પ્રતિક્રિયા આપતા અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલા પોતાના જવાબમાં FAIMA એ દાવો કર્યો છે કે માત્ર કાગળ પર સુરક્ષા પગલાં દર્શાવવાથી પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ અટકાવી શકાતી નથી.

 

એડવોકેટ તન્વી દુબે મારફતે રજૂ કરવામાં આવેલા આ જવાબમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે 'જાહેર પરીક્ષા (અન્યાયી અર્થ નિવારણ) સુધારો અધિનિયમ, ૨૦૨૬' હેઠળ ગોપનીય પરીક્ષા સામગ્રી સુધી પહોંચ ધરાવતા અધિકારીઓ, પેપર સેટર્સ કે પ્રશ્નપત્ર તપાસકો સામે કડક જોગવાઈઓ હોવી જોઈએ. જો કોઈ અધિકૃત વ્યક્તિ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પેપર નકલ કરે, શેર કરે કે લીક કરે, તો તેને સામાન્ય ગુના કરતાં વધુ આકરી સજા અને દંડ ફટકારવો જોઈએ.

 

અગાઉની સમિતિની ભલામણો અને નવી ટાસ્ક ફોર્સ સામે સવાલ

FAIMA એ કેન્દ્ર સરકાર દ્વારા નવી ટાસ્ક ફોર્સ રચવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. સંસ્થાએ દલીલ કરી હતી કે વર્ષ ૨૦૨૪ માં NEET પેપર લીક બાદ શિક્ષણ મંત્રાલય દ્વારા ગઠિત ડૉ. કે. રાધાકૃષ્ણન સમિતિએ ૧૦૧ વિગતવાર ભલામણો રજૂ કરી હતી. જો આ ૧૦૧ ભલામણો પહેલાથી જ અમલમાં હતી, તો વર્ષ ૨૦૨૬ માં ફરીથી પેપર લીક થવાની ઘટના કેમ બની? દર વર્ષે નવી નવી સમિતિઓ બનાવવાને બદલે અગાઉની ભલામણોનો સંપૂર્ણ અમલ કરવો વિદ્યાર્થીઓના હિતમાં છે.

 

ઉલ્લેખનીય છે કે હાલમાં NTA ના પુનર્ગઠન અને મેડિકલ પરીક્ષાઓ માટે વધુ મજબૂત તથા સ્વાયત્ત સંસ્થા બનાવવાની માંગ કરતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ સમગ્ર કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવી રહી છે.

 

(7:37 PM IST)