<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

નવા વિચારો, સનાતન મૂલ્યો: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ 'Gen-z'ની અદમ્ય ઊર્જા અને દિશા પર વ્યક્ત કર્યા પોતાના પ્રેરણાદાયી વિચારો

બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે દેશના યુવાધન માટે દિશા, દ્રષ્ટિ અને સંસ્કારોનો અનોખો સંદેશ આપતા જણાવ્યું કે આજના યુવાનો અટકશે નહીં અને ઝૂકશે પણ નહીં : તેમણે પ્રગતિની ગતિ સાથે યોગ્ય દિશાની પસંદગી કરવી અનિવાર્ય છે

નવી દિલ્હી:  આજના આધુનિક યુગમાં જ્યાં Gen-Zની પોતાની આગવી શૈલી અને ઝડપી ગતિ છે, ત્યાં સનાતન અને આધ્યાત્મિકતાના ધ્વજવાહક પંડિત ધીરેન્દ્ર ક્રિષ્ના શાસ્ત્રીએ આ યુવા પેઢીના જુસ્સાની ખુલ્લા મનથી પ્રશંસા કરી છે.  ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા બાગેશ્વર ધામના મુખ્ય પૂજારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજના યુવાનોમાં એક અનોખો ઉત્સાહ અને પોતાના અધિકારો મેળવવાની તીવ્ર ઇચ્છાશક્તિ છે. આ એક એવી નિર્ભય પેઢી છે જે કોઈના દબાણમાં આવીને ન તો અટકે છે, કે ન તો ઝૂકે છે. યુવાનોની આ અદમ્ય શક્તિને દેશનો અસલી પાયો ગણાવતા તેમણે ઉમેર્યું કે ભારત હંમેશાં યુવાનોનો દેશ રહ્યો છે અને ઇતિહાસ સાક્ષી છે કે આઝાદીની લડાઈથી લઈને દેશના વિકાસ સુધી યુવાધને જ ક્રાંતિ સર્જી છે.

પોતાને હૃદયથી સાચા 'જનરલ-ઝેડ' ગણાવતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ યુવાનોને ગતિની સાથે દિશા પ્રત્યે પણ સજાગ રહેવાની મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કાર કે જીવનમાં ગતિ હોવી સારી બાબત છે, પરંતુ જો સ્ટેઅરિંગ યોગ્ય દિશામાં ન હોય તો અકસ્માત સર્જાય છે. આજના યુવાનો ભલે આધુનિક શબ્દો કે 'સ્લેંગ્સ' નો ઉપયોગ કરતા હોય, પરંતુ તેઓ તેમના દિલની લાગણીઓને ખૂબ સારી રીતે સમજે છે. તેમણે યુવા વર્ગને આહ્વાન કર્યું કે સમયની સાથે બદલાવ જરૂરી છે, પરંતુ પોતાની સંસ્કૃતિ અને જૂના મૂલ્યોને ક્યારેય ભૂલવા ન જોઈએ. આધુનિક વિચારસરણી અને સનાતન સંસ્કારોનું અદ્ભુત સંતુલન જ યુવાનોને કોઈના હાથની કઠપૂતળી બનતા રોકશે.

શાહમૃગ નીતિ છોડીને પોતાના હક માટે અવાજ ઉઠાવવાના યુવાનોના અધિકારનું સમર્થન કરતા તેમણે શિસ્ત અને દેશપ્રેમનો પાઠ પણ ભણાવ્યો હતો. જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનો અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની વાતો અને વિચારો રજૂ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પરંતુ વૈચારિક મતભેદ કે વિરોધ કરતી વખતે રાષ્ટ્રીય શિષ્ટાચાર અને દેશની ગરિમા જળવાઈ રહેવી જોઈએ. આપણી અભિવ્યક્તિ એવી ન હોવી જોઈએ જે દેશના હિતોને નુકસાન પહોંચાડે; વિરોધ ભલે ગમે તેનો હોય, પરંતુ હાથમાં રહેલા 'ત્રિરંગા' અને માતૃભૂમિનું સન્માન હંમેશા સર્વોપરી રહેવું જોઈએ.

(8:00 PM IST)