હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈન્ડિગોનું સર્વર ઠપ: ડિજિટલ સેવાઓ ખોરવાતાં એરપોર્ટ્સ પર મુસાફરોના ભારેહાલ, બુકિંગ અને વેબ ચેક-ઈન ઠપ્પ!
ઈન્ડિગોના મુખ્ય રિઝર્વેશન પ્લેટફોર્મમાં અચાનક આવેલી મોટી ટેકનિકલ ખામીને કારણે દેશભરના હજારો ફ્લાઈટ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા : ઓનલાઈન ટિકિટિંગ અને બોર્ડિંગ પાસ ડાઉનલોડ પ્રક્રિયા અટકી જતાં એરપોર્ટ કાઉન્ટર્સ પર મેન્યુઅલ પ્રોસેસ માટે લાંબી કતારો જોવા મળી

નવી દિલ્હી: હવાઈ સફર કરતા મુસાફરો માટે આજનો દિવસ ભારે મુશ્કેલીઓથી ભરેલો રહ્યો હતો, કારણ કે દેશની સૌથી મોટી ખાનગી એરલાઈન IndiGo ની ડિજિટલ સેવાઓ અચાનક ઠપ થઈ ગઈ હતી. એરલાઈનની અધિકૃત વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં આવેલી ગંભીર ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટના સમયપત્રક અને ભાડાની વિગતો દેખાતી બંધ થઈ ગઈ હતી. આ અચાનક સર્જાયેલી ઈમરજન્સીના કારણે નવી ટિકિટ બુક કરાવવા માંગતા તેમજ અગાઉથી બુકિંગ કરાવી ચૂકેલા હજારો મુસાફરો ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવામાં અસમર્થ રહ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં એરલાઈનની કામગીરી પર ભારે અસર પડી હતી.
સૌથી વધુ અસર એવા મુસાફરો પર પડી છે જેમણે બુધવાર અથવા ગુરુવારે તાકીદની મુસાફરી કરવાની હતી, કારણ કે સિસ્ટમ ડાઉન હોવાને લીધે વેબ ચેક-ઈન અને ડિજિટલ બોર્ડિંગ પાસ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અટકી પડી હતી. ડિજિટલ માધ્યમો બંધ થતાં મુસાફરોને મેન્યુઅલ ચેક-ઈન માટે એરપોર્ટ પરના કાઉન્ટર્સ તરફ દોડવું પડ્યું હતું. પરિણામે, દેશના મુખ્ય એરપોર્ટ્સ પર ઈન્ડિગોના કાઉન્ટર્સ સામે મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી હતી અને એરપોર્ટ પર ભારે ભીડ તથા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઈન્ડિગો દ્વારા તરત જ એક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને આ ટેકનિકલ સમસ્યા અંગે મુસાફરોની ક્ષમાયાચના માંગવામાં આવી છે. એરલાઈને જણાવ્યું છે કે તેમની આઈટી ટીમ અને ટેકનોલોજી પાર્ટનર્સ આ ખામીને વહેલી તકે ઉકેલવા માટે પ્રાથમિકતાના ધોરણે કામ કરી રહ્યા છે. જે મુસાફરોની ફ્લાઈટ પછીની તારીખની છે તેમને થોડા સમય પછી ફરી પ્રયાસ કરવા અને જેમણે તાત્કાલિક મુસાફરી કરવાની છે તેમને કોલ સેન્ટર અથવા એરપોર્ટ સપોર્ટ ડેસ્કનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
