News of Wednesday, 19th August 2026
ટોલ પ્લાઝાથી ૨૦ કિમીની અંદર રહેતા લોકો માટે મોટા સમાચાર: NHAI એ ૧૨૧ ટોલ પ્લાઝા સુધી વિસ્તારી 'FASTag ઓનલાઈન લોકલ પાસ' સુવિધા, હવે ઘરે બેઠા બચશે સમય અને પૈસા
'હાઈવે યાત્રા' મોબાઈલ એપ મારફતે સરળતાથી મળશે માસિક લોકલ પાસ: ટોલ પ્લાઝા પર લાઈનમાં ઉભા રહેવા અને મેન્યુઅલ ડોક્યુમેન્ટ જમા કરાવવાની ઝંઝટમાંથી મળી મુક્તિ

નવી દિલ્હી : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ હાઈવે પર દૈનિક મુસાફરી કરતા સ્થાનિક નાગરિકો માટે એક અત્યંત રાહતજનક અને મોટી સુવિધાની જાહેરાત કરી છે. NHAI એ દેશભરના ૧૨૧ ટોલ પ્લાઝા પર 'ઓનલાઈન FASTag લોકલ પાસ' સુવિધાનો વિસ્તાર કરી દીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા જારી સત્તાવાર નિવેદન અનુસાર, હવે ટોલ પ્લાઝાની ૨૦ કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા સ્થાનિક મુસાફરો 'હાઈવે યાત્રા' (Rajmarg Yatra/Highway Yatra) મોબાઈલ એપ મારફતે જ પોતાનો માસિક લોકલ પાસ ઓનલાઈન મેળવી શકશે.
આ ડિજિટલ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિક લોકોને લાઈનમાં ઉભા રહેવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવાનો અને ટોલ પ્લાઝાની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો છે. અગાઉ સ્થાનિક પાસ કઢાવવા માટે નાગરિકોએ રૂબરૂ ટોલ પ્લાઝા પર જઈને રિટર્ન ફેરા કે રહેઠાણના પુરાવાના દસ્તાવેજો મેન્યુઅલી જમા કરાવવા પડતા હતા, જેમાં કિંમતી સમય અને નાણાંનો વ્યય થતો હતો. હવે ઓનલાઈન અરજી પ્રક્રિયા થવાથી હાઈવે મુસાફરી વધુ સરળ અને નાગરિક-કેન્દ્રિત બની જશે.
દિલ્હીના સફળ પ્રયોગ બાદ દેશભરમાં અમલીકરણ
ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ડિજિટલ લોકલ પાસની આ સુવિધાનો પ્રાયોગિક પ્રારંભ જુલાઈ ૨૦૨૬ માં દિલ્હીમાં અર્બન એક્સટેન્શન રોડ-૨ (UER-2) પર આવેલા મુંડકા-બક્કરવાલા ટોલ પ્લાઝા ખાતેથી કરવામાં આવ્યો હતો.
ત્યાં મળેલી ભવ્ય સફળતા બાદ હવે તેને દેશના ૧૨૧ મુખ્ય ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવી છે. જો તમે પણ કોઈ ટોલ પ્લાઝાથી ૨૦ કિમીની ત્રિજ્યામાં રહો છો, તો મોબાઈલ એપ મારફતે જરૂરી વિગતો અપલોડ કરીને તુરંત આ FASTag લોકલ પાસ ડિજિટલી જનરેટ કરી શકશો.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
