<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ભરતી સમયે ગુનાહિત ઈતિહાસ છુપાવવો ભારે પડ્યો: RPF કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટનું સમર્થન, 'ઇરાદાપૂર્વક માહિતી દબાવનારને ગમે ત્યારે સેવામાંથી બરતરફ કરી શકાય'

રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ્સ દ્વારા પેન્ડિંગ ફોજદારી કેસો છુપાવવાના મામલે સર્વોચ્ચ અદાલતનો મોટો ચુકાદો: બાદમાં કેસમાંથી નિર્દોષ છૂટી જવાથી પણ નોકરીમાં પુનઃસ્થાપિત થવાનો અધિકાર મળતો નથી

નવી દિલ્હી : રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલ્વે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF) માં ભરતી દરમિયાન પોતાની સામે પેન્ડિંગ રહેલા ફોજદારી કેસોની માહિતી ઇરાદાપૂર્વક છુપાવનારા કોન્સ્ટેબલોને નોકરીમાંથી મુક્ત (ડિસ્ચાર્જ) કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચુકાદો આપ્યો છે કે સશસ્ત્ર દળો કે સરકારી સેવામાં પ્રવેશતી વખતે ગુનાહિત ભૂતકાળ અથવા પેન્ડિંગ કેસો અંગેની મહત્વપૂર્ણ માહિતી દબાવવાથી કર્મચારીના સચ્ચાઈ અને ચારિત્ર્ય પર સીધી અસર પડે છે, અને આવા કર્મચારીને કોઈપણ સમયે સેવામાંથી બરતરફ કરી શકાય છે.

 

જસ્ટિસ પામિદિઘંટમ શ્રી નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની ખંડપીઠે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કરવાનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવાર દ્વારા આપવામાં આવતી માહિતીની સત્યતા અત્યંત મહત્વપૂર્ણ છે. RPF નિયમો હેઠળ, પસંદગી પ્રક્રિયામાં ભાગ લેતા દરેક ઉમેદવારે પોતાની સામે ચાલી રહેલા તમામ ફોજદારી કેસોની વિગતો આપવી ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર આ હકીકત છુપાવે છે, તો નિયમો અનુસાર તેને કોઈપણ તબક્કે ગેરલાયક ઠેરવી સેમાંથી મુક્ત કરી શકાય છે.

 

તાલીમ દરમિયાન ગુનાહિત કેસોનો ભંડાર ખુલ્લો પડ્યો

કેસની વિગતો અનુસાર, અપીલકર્તાઓએ RPF અને RPSF માં કોન્સ્ટેબલ તરીકેની લેખિત પરીક્ષા અને શારીરિક ક્ષમતા કસોટીઓ પાસ કરી લીધી હતી. પરંતુ દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ વખતે તેમણે પોતાની સામે પેન્ડિંગ ફોજદારી કેસો જાહેર કર્યા ન હતા. જ્યારે તેઓ તાલીમ લઈ રહ્યા હતા ત્યારે તપાસ દરમિયાન આ કેસો પ્રકાશમાં આવ્યા હતા, જેના પગલે સત્તાવાળાઓએ તેમને સેવામાંથી મુક્ત કરી દીધા હતા.

 

બાદમાં મળેલું નિર્દોષ છુટકારો પણ મદદરરૂપ નહીં થાય

સુપ્રીમ કોર્ટે અપીલકર્તાઓની એ દલીલને પણ ફગાવી દીધી હતી કે કેસની સુનાવણી દરમિયાન તેઓ બાદમાં નિર્દોષ જાહેર થયા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અરજી ફોર્મ અને ચકાસણી સમયે સત્ય ન બોલવું એ પોતે જ નોકરીદાતાનો વિશ્વાસ તોડવા સમાન છે. ભૂતકાળના 'અવતાર સિંહ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા (૨૦૧૬)' કેસનો સંદર્ભ આપતાં સર્વોચ્ચ અદાલતે તમામ અપીલો ફગાવી દીધી હતી અને સશસ્ત્ર દળોમાં શિસ્ત તથા પારદર્શિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

(8:32 PM IST)