<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

મફત પેટ્રોલની લાલચમાં ચંદીગઢમાં ભારે અફરાતફરી: 'પેટ્રોલ લંગર'માં કૂપન મેળવવા ઉમટેલી ભીડ બેકાબૂ બનતા પેટ્રોલ પંપ બંધ કરવો પડ્યો, પોલીસના દંડા પછડાયા!

અમૃતસરના સામાજિક કાર્યકરની રૂ. ૧,૦૦૦ સુધીના મફત કૂપન આપવાની જાહેરાત બાદ સર્જાયો ભારે હોબાળો: ધોધમાર વરસાદમાં ટ્રાફિક જામ થતાં પોલીસે અનેક વાહનો જપ્ત કર્યા

ચંદીગઢ : પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે જો કોઈ મફતમાં બળતણ વહેંચવાની જાહેરાત કરે, તો અંધાધૂંધી સર્જાવી સ્વાભાવિક છે. ચંદીગઢના સેક્ટર ૧૦ સ્થિત એક પેટ્રોલ પંપ પર આવો જ એક વિચિત્ર અને હંગામાપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 'પેટ્રોલ લંગર' નામે મફત પેટ્રોલ કૂપન વહેંચવાની યોજના અચાનક અરાજકતામાં ફેરવાઈ ગઈ હતી. ભારે વરસાદ અને ભીડ બેકાબૂ બનતા આખરે સુરક્ષાના કારણોસર પંપ માલિકોએ તાત્કાલિક ધોરણે પેટ્રોલ પંપ બંધ કરી દેવો પડ્યો હતો.

 

અમૃતસરના ચર્ચિત સામાજિક કાર્યકર રાકેશ ત્રેહાન (જેઓ "રાજા ધ કિંગ" તરીકે ઓળખાય છે) દ્વારા આ અનોખા 'પેટ્રોલ લંગર'ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનો માટે રૂ. ૫૦૦ તથા ચારચક્રી કાર માલિકો માટે રૂ. ૧,૦૦૦ ના મફત પેટ્રોલ કૂપન આપવામાં આવનાર હતા. જોકે, મંગળવારે ચંદીગઢમાં પડેલા મુશળધાર વરસાદને કારણે આયોજકોએ કાર્યક્રમ શુક્રવાર સુધી મુલતવી રાખ્યો હતો, પરંતુ આ માહિતી સમયસર લોકો સુધી પહોંચી શકી નહોતી.

 

ભારે વરસાદ વચ્ચે રસ્તાઓ પર ટ્રાફિક જામ, પોલીસે વાહનો ડિટેઈન કર્યા

કૂપન મેળવવાની ઘેલછામાં સેંકડો લોકો કલાકો સુધી ભારે વરસાદમાં પંપ પર ઉભા રહ્યા હતા. લાંબી રાહ જોયા પછી પણ કૂપન ન મળતાં લોકોની ધીરજ ખૂટી ગઈ હતી અને તેમણે પંપ પર ભારે હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે મુખ્ય રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થિતિ થાળે પાડવા માટે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભીડને વિખેરી હતી અને વાહનો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

 

કોણ છે મફતમાં 'આઈફોન' વહેંચવાનો દાવો કરનાર રાકેશ ત્રેહાન?

ક્રિપ્ટો ટ્રેડિંગ અને શેરબજાર સાથે સંકળાયેલા રાકેશ ત્રેહાને તાજેતરમાં પોતાની અને પિતાની ૯૦ ટકા સંપત્તિ જરૂરિયાતમંદોને દાન કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં પણ તેઓ અનાજ સાથે રૂ. ૫૦૦ ની રોકડ રકમ વહેંચી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ 'પેટ્રોલ લંગર' સફળ થયા બાદ તેઓ હવે આગામી દિવસોમાં લોકોને મફતમાં 'આઈફોન' (iPhone) વહેંચવાનું મોટું લંગર શરૂ કરશે.

 

(9:02 PM IST)