<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું બનશે વધુ કપરૂં: 'પબ્લિક ચાર્જ'ના કડક નિયમો સાથે ટ્રમ્પ તંત્રનો ભારતીયોને મોટો આંચકો

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬થી અમલમાં આવનાર USCISના નવા નિયમો હેઠળ સરકારી સહાય, મેડિકેડ અને ફૂડ સ્ટેમ્પ લેનારાઓની અરજીઓ થશે સખત સ્ક્રૂટિની : લાંબા સમયથી બેકલોગમાં ફસાયેલા ભારતીયોમાં ચિંતાનું મોજુ

 

વોશિંગ્ટન:  અમેરિકામાં સ્થાયી થઈને ગ્રીન કાર્ડ મેળવવાનું સ્વપ્ન જોતા લાખો ભારતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા સાથે જોડાયેલા 'પબ્લિક ચાર્જ' (Public Charge) ના નિયમોને અત્યંત કડક બનાવવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા જારી કરવામાં આવેલી આ નવી માર્ગદર્શિકા ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી સત્તાવાર રીતે અમલી બનશે. જે ભારતીય વ્યાવસાયિકો વર્ષોથી રોજગાર-આધારિત (Employment-Based) ગ્રીન કાર્ડના બેકલોગમાં અટવાયેલા છે અને હવે ફોર્મ I-485 ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ નિયમ મોટો પડકાર બનીને ઉભર્યો છે.

સરળ શબ્દોમાં કહીએ તો, 'પબ્લિક ચાર્જ' એટલે કે એવો અરજદાર જે ભવિષ્યમાં પોતાની આજીવિકા કે તબીબી જરૂરિયાતો માટે યુએસ સરકારની નાણાકીય સહાય અથવા સબસિડી પર નિર્ભર રહે તેવી શક્યતા હોય. અગાઉના બાઇડેન તંત્રમાં બિન-રોકડ લાભો જેવા કે ફૂડ સ્ટેમ્પ્સ (SNAP), ભાડા સહાય અને મેડિકેડ/CHIP ને આ આંકલનમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ હવે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ પછી જો કોઈ અરજદારે આ સરકારી લાભો લીધા હશે, તો USCIS અધિકારીઓ તેમની અરજી સીધી નામંજૂર કરી શકશે. નિર્ણય લેતી વખતે અધિકારીઓ માત્ર એક પરિબળ નહીં, પરંતુ અરજદારની ઉંમર, આરોગ્ય, સંપત્તિ, નાણાકીય સંસાધનો અને ભવિષ્યની નોકરીની સંભાવનાઓની ઊંડી તપાસ કરશે.

ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, આ કડક માપદંડોની સૌથી વ્યાપક અસર એવા ભારતીયો પર પડશે જેઓ પોતાના વૃદ્ધ માતા-પિતા માટે ગ્રીન કાર્ડની પ્રક્રિયા કરી રહ્યા છે, ખાસ કરીને જેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. જોકે, રાહતની વાત એ છે કે સામાન્ય H-1B એક્સ્ટેન્શન, નોકરી બદલવી કે H-4 વિઝા પ્રક્રિયાને આમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. જો કોઈ અધિકારી પબ્લિક ચાર્જના આધારે અરજી અટકાવે, તો અરજદાર પાસે 'પબ્લિક ચાર્જ બોન્ડ' (નાણાકીય ગેરંટી) જમા કરાવીને આગામી પાંચ વર્ષ સુધી સરકારી સહાય ન લેવાની ખાતરી આપવાનો વિકલ્પ રહેશે. આમ છતાં, વર્તમાન આર્થિક મંદી અને આઈટી ક્ષેત્રમાં છટણીના વાતાવરણ વચ્ચે આ નિયમે ભારતીય ડાયસ્પોરાની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

(1:31 AM IST)