<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સિમ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: ૯ થી વધુ કનેક્શન હશે તો નંબર તાત્કાલિક થશે સસ્પેન્ડ, DoT ની ટેલિકોમ કંપનીઓને કડક સૂચના

સરકારના ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) દ્વારા યુઝર્સના ફોટોગ્રાફ્સનું થશે રીઅલ-ટાઇમ ચેકિંગ : જુદા જુદા રાજ્યો કે કંપનીઓમાંથી મર્યાદા બહાર સિમ ખરીદનારાઓ સામે ૨૩ ઓગસ્ટથી કડક કાર્યવાહી

નવી દિલ્હી:  દેશમાં વધતા જતા સાયબર ફ્રોડ અને ફેક સિમ કાર્ડના દૂષણને ડામવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત નિર્ણય લીધો છે. ૧૭ ઓગસ્ટના રોજ જારી કરાયેલા નવા પરિપત્ર મુજબ, હવે દેશમાં પ્રતિ વ્યક્તિ ૯ સિમ કાર્ડની મહત્તમ મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે સીધી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના રાજ્યો માટે આ મર્યાદા ૬ સિમ કાર્ડની રાખવામાં આવી છે. નવા નિયમ અનુસાર જો કોઈ ગ્રાહક નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સિમ કાર્ડ ધરાવતો જણાશે, તો તેના વધારાના કનેક્શન તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

આ નવી ચકાસણી પ્રણાલીને વધુ સચોટ બનાવવા માટે સરકાર પોતાના 'ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ' (DIP) નો ઉપયોગ કરવા જઈ રહી છે. ૨૩ ઓગસ્ટથી આ પ્લેટફોર્મ દ્વારા ટેલિકોમ કંપનીઓને એવા ગ્રાહકોના ફોટોગ્રાફ્સ પૂરા પાડવામાં આવશે જેમના નામે મર્યાદા કરતાં વધુ કનેક્શન બોલે છે. ૨૪ ઓગસ્ટથી તમામ ટેલિકોમ ઓપરેટરોએ દરરોજ આ ડેટા ચકાસીને મર્યાદા ઓળંગતા ગ્રાહકોને નવું સિમ ઇશ્યૂ કરવાનું બંધ કરવું પડશે અને તેમને સિમ લિમિટ પૂરી થઈ ગઈ હોવાની જાણ કરવી પડશે. લોકો અલગ-અલગ રાજ્યો કે કંપનીઓમાંથી સિમ ખરીદીને નિયમનો અનાદર કરતા હતા, પરંતુ હવે ફેસ-મેચિંગ અને ડિજિટલ ડેટાથી આ છટકબારી સંપૂર્ણપણે બંધ થઈ જશે.

ટેલિકોમ વિભાગે તમામ ઓપરેટરોને ૩૦ નવેમ્બર સુધીમાં આ આખી સિસ્ટમ પોતાના રજિસ્ટ્રેશન સોફ્ટવેર સાથે રીઅલ-ટાઇમમાં સાંકળી લેવાનો આદેશ આપ્યો છે. આ સંક્રમણ સમયગાળા દરમિયાન જો મર્યાદાથી વધુ કોઈ નવું સિમ એક્ટિવેટ થઈ જશે, તો મામલો સુલઝે નહીં ત્યાં સુધી તે નંબરને ઓપરેટરે તરત જ બ્લોક કરવો પડશે. અગાઉના નિયમોમાં ગ્રાહકોને પોતે વધારાના સિમ સરન્ડર કરવાની તક અપાતી હતી, પરંતુ હવે સિસ્ટમ આધારિત તપાસથી કનેક્શન સીધા જ ડિસ્કનેક્ટ કરી દેવાશે. નિયમોના અમલીકરણ દરમિયાન ઉદ્ભવતા વિવાદોના ઉકેલ માટે સંબંધિત લાયસન્સ પ્રાપ્ત સર્વિસ એરિયા ને સત્તા સોંપવામાં આવી છે.

(1:34 AM IST)