હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બોસનો ઠપકો કે કઠોર વર્તન આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણાશે નહીં
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદોઃ વર્કપ્લેસ પર કડક વહીવટી સૂચનો કે પ્રતિકૂળ ટિપ્પણીઓને સીધી ગુનાહિત જવાબદારી ન ગણી શકાય : IPC ની કલમ ૩૦૬ હેઠળ દોષિત ઠેરવવા માટે સીધી ઉશ્કેરણી અને સ્પષ્ટ ઈરાદો હોવો જરૂરી છે

નવી દિલ્હી, તા.૨૦: સુપ્રીમ કોર્ટે કાર્યસ્થળ પર બોસ કે વરિષ્ઠ અધિકારીના કડક વર્તન, શિસ્તપાલનના પગલાં કે કામ અંગે કરવામાં આવતી આકરા શબ્દોની પ્રતિકૂળ ટિપ્પણીઓ અંગે એક અતિ મહત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા કરી છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા ઠરાવ્યું છે કે વહીવટી કામગીરી દરમિયાન બોસ દ્વારા કરવામાં આવતી કડકાઈ કે ઠપકાને સીધી રીતે આત્મહત્યા માટેની ઉશ્કેરણી ગણી શકાય નહીં. ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયાધીશ એન. કોટિશવર સિંહની બેન્ચે જણાવ્યું કે જો કર્મચારી આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરે, તો માત્ર સુસાઇડ નોટમાં નામ હોવાથી અથવા ભૂતકાળના ત્રાસના આરોપોથી વરિષ્ઠ અધિકારી પર આત્મહત્યાની ઉશ્કેરણીનો ગુનો બનતો નથી. આ માટે અધિકારીનો સીધો, તત્કાલિક અને સ્પષ્ટ ઈરાદો સાબિત થવો જરૂરી છે.આ મહત્વપૂર્ણ નિર્ણય મહારાષ્ટ્રના ચર્ચિત વન વિભાગ કેસમાં નાયબ વન સંરક્ષક વિનોદ શિવકુમાર સામેની ફોજદારી કાર્યવાહી રદ કરતા આપવામાં આવ્યો છે. માર્ચ ૨૦૨૧માં મહારાષ્ટ્રના હરિસાલ રેન્જમાં તૈનાત એક મહિલા વન રેન્જ અધિકારીએ પોતાની સરકારી રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. મળતકે છોડેલી સુસાઇડ નોટમાં શિવકુમાર પર ગર્ભવતી હોવા છતાં જંગલમાં ચાલવાની ફરજ પાડવી, માનસિક હેરાનગતિ કરવી અને જાહેરમાં અપમાનિત કરવાનો આક્ષેપ મૂકયો હતો. જોકે, સર્વોચ્ચ અદાલતે બોમ્બે હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટના આદેશોને રદબાતલ ઠેરવીને શિવકુમારને આ કેસમાંથી મુક્ત કર્યા છે.
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક નોંધ્યું કે વહીવટી દેખરેખ, શો-કોઝ નોટિસ આપવી કે શિસ્ત જાળવવા માટે બોસ દ્વારા લેવાતા આકરા પગલાં એ નોકરીની ફરજનો જ ભાગ છે. ઘટના અને ઉશ્કેરણી વચ્ચે સીધો સમયગાળાનો સંબંધ હોવો કાયદાકીય રીતે અનિવાર્ય છે. જો કાર્યસ્થળના સામાન્ય દબાણ કે કડક શિસ્તને ગુનાહિત જવાબદારીમાં ખપાવવામાં આવે, તો કોઈ પણ વરિષ્ઠ અધિકારી મુક્તપણે વહીવટી નિર્ણયો લઈ શકશે નહીં. આ ચુકાદાથી દેશભરમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના અધિકારીઓ માટે શિસ્તભંગના પગલાં લેતી વખતે કાનૂની સંરક્ષણની મહત્વની રેખા અંકિત થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
