<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

યુ.એસ. પ્રવાસના ચોથા દિવસે ભૂપેન્દ્રભાઈ પટેલે વોશિંગ્ટનમાં વિશ્વ ઊમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતી સમુદાય સાથે સંવાદ કર્યો : સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર્સ અને બાયોટેકનોલોજીમાં નવી તકો તથા હોટેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ સંભાવનાઓની ભૂમિકા આપતાં મુખ્યમંત્રી

ગુજરાતમાં સર્વાંગી વિકાસ અને નવા રોકાણ માટે વિશ્વાસપૂર્ણ વાતાવરણ છે : નાણાંકીય શિસ્ત અને સુશાસન ગુજરાતની તાકાત છે : ગિફ્ટ સિટી તેનું ઉત્તમ ઉદાહરણ છે : રાજ્યના વિકાસમાં વૈશ્વિક ગુજરાતી સમુદાયની સહભાગિતાની નેમ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

અશ્વિન વ્યાસ દ્વારા ગાંધીનગર તા.૨૦ : મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની યુએસ-કેનેડા મુલાકાતના ચોથા દિવસે વોશિંગ્ટનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2027 સંદર્ભમાં ગુજરાતને ભારતના ગ્રોથ એન્જિન તરીકેની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. 

 

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વોશિંગ્ટન ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે ગુજરાતી ડાયાસ્પોરા સાથે સંવાદ કર્યો હતો. તેમાં ગુજરાતના સર્વાંગી વિકાસ, નાણાંકીય શિસ્ત, નવા રોકાણની તકો તથા ગિફ્ટ સિટી, સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર્સ અને બાયોટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોની વિપુલ વિકાસ સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

 

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ડેલિગેશનના અમેરિકા પ્રવાસનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવા, નવા ઉદ્યોગો સ્થાપવા અને ઉભરતા ક્ષેત્રોનો વિકાસ થાય તે માટે વિવિધ બિઝનેસ બેઠકો યોજાઈ રહી છે. ખાસ કરીને સિલિકોન વેલી ખાતે યોજાયેલી બેઠકો સફળ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

 

ગુજરાતમાં રોકાણ માટે અનુકૂળ અને વિશ્વસનીય વાતાવરણ અંગે તેમણે કહ્યું કે, ગુજરાતને દેશના આર્થિક વિકાસમાં મહત્વનું સ્થાન મળ્યું છે અને હવે નવા ક્ષેત્રોમાં રોકાણ વધારવા માટે સક્રિય પ્રયાસો થઈ રહ્યાં છે.

 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે આર્થિક વિકાસ સાથે પાયાની સુવિધાઓ પર ફોકસ કર્યું છે. રાજ્યનો વિકાસ માત્ર આર્થિક પ્રગતિ સુધી સીમિત ન રાખતા પાણી, વીજળી, શહેરી સુખાકારી અને અન્ય પાયાની સુવિધાઓ દ્વારા સામાન્ય નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે.

 

લોકશાહીમાં લોકો સરકારનું મૂલ્યાંકન માત્ર આર્થિક આંકડાઓથી નહીં, પરંતુ રોજિંદા જીવનમાં અનુભવાતા પરિવર્તનના આધારે પણ કરે છે. ગુજરાતે વીજળી, પાણી અને રોજગાર સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. 

 

મુખ્યમંત્રીશ્રીએ વૈશ્વિક ગુજરાતી સમુદાયને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ગુજરાતીઓએ મહેનતથી સંપત્તિ અને મૂડી ઊભી કરી છે. આ મૂડી ગુજરાતના વિકાસમાં ઉપયોગી થાય તે માટે  ગિફ્ટ સિટીમાં રોકાણથી રોકાણકારોને વ્યક્તિગત લાભ તથા નાણાંકીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂતી મળશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

 

રાજ્યની નાણાંકીય શિસ્ત અને સુદૃઢ વહીવટી વ્યવસ્થાને મહત્વપૂર્ણ શક્તિ ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિકાસ માટે સુશાસન, શિસ્ત અને પારદર્શક વ્યવસ્થાના આધારે આગળ વધવાનો ગુજરાતનો અભિગમ રહ્યો છે.

 

રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટરમાં નવી તકો અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર જેવા નવા યુગના સેક્ટર્સમાં મજબૂત પ્રેઝન્સ નોંધાવી રહ્યું છે. રાજ્યમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ, ઉદ્યોગલક્ષી વાતાવરણ, નાણાંકીય માળખું અને અનુકૂળ સરકારી નીતિઓને કારણે આ ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ અને રોજગારીની તકો ઊભી થઈ રહી છે.

 

એટલું જ નહિ, હોસ્પિટાલિટી અને હોટેલ ક્ષેત્રમાં પણ ગુજરાતમાં રહેલી સંભાવનાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યના પર્યટન, હોસ્પિટાલિટી અને હોટેલ ક્ષેત્રે રોકાણની વિશાળ તકો છે. વધતી ઔદ્યોગિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓથી આ સેક્ટર્સમાં નવા રોકાણથી રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.

 

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિકાસમાં વૈશ્વિક ગુજરાતી સમુદાયની સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવી હતી. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, વિદેશમાં વસતા ગુજરાતીઓ, રોકાણકારો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ગુજરાતની વિકાસયાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વૈશ્વિક રોકાણ, નવી ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને વૈશ્વિક અનુભવના સમન્વયથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરશે.

 

ગુજરાત ઉદ્યોગ, નાણાકીય ક્ષેત્ર, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર, હોસ્પિટાલિટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે ત્યારે સરકાર, ઉદ્યોગજગત અને વૈશ્વિક ગુજરાતી સમુદાયની ત્રિવેણીથી વિકાસને વધુ મળશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 

(2:27 PM IST)