<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

દેશભરના તબીબો માટે ‘વન નેશન, વન લાઈસન્સ’ સિસ્ટમ લાગુ કરવા કવાયત: નેશનલ મેડિકલ કમિશને તમામ રજિસ્ટર્ડ ડોક્ટરો માટે સેન્ટ્રલાઈઝ્ડ ‘યુનિક આઈડેન્ટિફિકેશન નંબર’ આપવા મુસદ્દો જાહેર કર્યો

​નવા નિયમો મુજબ રાજ્ય મેડિકલ કાઉન્સિલમાં નોંધણી બાદ કેન્દ્ર તરફથી યુઆઈડી ફાળવાશે, જેનાથી બીજા રાજ્યમાં નવી પ્રક્રિયા વિના તબીબી સારવાર આપવાની છૂટ મળશે; ગેરશિસ્ત અને લાઈસન્સ સસ્પેન્શનનો રેકોર્ડ પણ સેન્ટ્રલ ડિજિટલ રજિસ્ટરમાં ઓટો-સિંક થશે

​નવી દિલ્હી: ​દેશના તબીબી ક્ષેત્રે પારદર્શિતા લાવવા અને ડોક્ટરો માટેની નોંધણી પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવાના હેતુથી નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા એક મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશને ‘રજિસ્ટ્રેશન ઓફ મેડિકલ પ્રેક્ટિશનર્સ એન્ડ લાઈસન્સ ટુ પ્રેક્ટિસ મેડિસિન (એમેન્ડમેન્ટ) રેગ્યુલેશન્સ, 2026’નો ડ્રાફ્ટ જાહેર કરીને દેશભરના તમામ નોંધાયેલા તબીબો માટે સેન્ટ્રલ લેવલે ‘યુનિક આઈડેન્ટિફિકેશન નંબર’ (UID) ફરજિયાત કરવાની યોજના બનાવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે કોઈ પણ ડોક્ટર એકવાર પોતાના રાજ્યની મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવશે, ત્યારબાદ કમિશનના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ (EMRB) દ્વારા તેમને એક ખાસ યુઆઈડી નંબર ફાળવવામાં આવશે. આ યુનિક આઈડી મેળવ્યા બાદ તબીબે ભારત દેશના અન્ય કોઈ પણ રાજ્યમાં તબીબી સેવાઓ આપવા માટે અલગથી નવી નોંધણી કે નવું લાઈસન્સ મેળવવાની જરૂર રહેશે નહીં, જેનાથી ‘વન નેશન, વન લાઈસન્સ’નું સ્વપ્ન સાકાર થશે.

​નેશનલ મેડિકલ કમિશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ નવા ડ્રાફ્ટ મુજબ, નેશનલ મેડિકલ રજિસ્ટર (NMR) દેશના તમામ માન્યતા પ્રાપ્ત ડોક્ટરોનો એક મધ્યસ્થ ડિજિટલ ડેટાબેઝ બનશે. સ્ટેટ મેડિકલ કાઉન્સિલ અને નેશનલ મેડિકલ રજિસ્ટર વચ્ચે ઓટોમેટિક ઈલેક્ટ્રોનિક સિંક્રોનાઈઝેશન રાખવામાં આવશે, જેનાથી જો કોઈ ડોક્ટર સામે તબીબી બેદરકારી, ગેરવર્તણૂક કે અન્ય કોઈ કારવાઈ થાય અથવા તો તેમનું લાઈસન્સ રદ કે સસ્પેન્ડ કરવામાં આવે, તો તેની તમામ માહિતી તરત જ નેશનલ ડેટાબેઝ પર અપડેટ થઈ જશે. આનાથી દેશનો કોઈ પણ નાગરિક કે હોસ્પિટલ ઈન્ટરનેટના માધ્યમથી ડોક્ટરની તબીબી યોગ્યતા, ડિગ્રી, સ્પેશિયલાઈઝેશન અને લાઈસન્સની વર્તમાન સ્થિતિ સરળતાથી ચકાસી શકશે.

​આ પ્રસ્તાવિત નિયમન હેઠળ ડોક્ટરોને આપવામાં આવતા પ્રેક્ટિસ લાઈસન્સની માન્યતા પાંચ વર્ષની રહેશે. લાઈસન્સની મુદત પૂરી થયાના ત્રણ મહિનાની અંદર જો તેનું નવીકરણ (રિન્યુઅલ) કરાવવામાં નહીં આવે, તો સંબંધિત તબીબનું રજિસ્ટ્રેશન આપોઆપ ‘ઈનએક્ટિવ’ સ્ટેટસમાં જતું રહેશે અને તેઓ ત્યાં સુધી પ્રેક્ટિસ કરી શકશે નહીં. આ ઉપરાંત, હાલમાં જે તબીબો જૂની પદ્ધતિ મુજબ સ્ટેટ મેડિકલ રજિસ્ટરમાં નોંધાયેલા છે પરંતુ તેમની પાસે યુઆઈડી નંબર નથી, તેમણે કમિશન દ્વારા નિર્ધારિત સમયગાળામાં ઈએમઆરબી પોર્ટલ પર પોતાની વિગતો અપડેટ કરીને આ યુનિક નંબર મેળવવાનો રહેશે. જૂના તબીબો માટે આ યુઆઈડી જનરેટ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

​આ ઉપરાંત વિદેશમાંથી મેડિકલની ડિગ્રી મેળવીને આવતા ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMGs) અને ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા વિદેશી નાગરિકો માટેના કામચલાઉ રજિસ્ટ્રેશનના નિયમોમાં પણ યોગ્ય સુધારા સૂચવવામાં આવ્યા છે. એનએમસી દ્વારા આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર જાહેર જનતા, તબીબી સંસ્થાઓ અને નિષ્ણાતો પાસેથી ૩૦ દિવસના સમયગાળામાં સૂચનો તથા વાંધા-અરજીઓ મંગાવવામાં આવ્યા છે. આ નવી ડિજિટલ વ્યવસ્થા લાગુ થવાથી દેશમાં બોગસ ડોક્ટરો પર લગામ કસાશે અને સમગ્ર તબીબી ક્ષેત્રની કામગીરી વધુ ગુણવત્તાસભર અને પારદર્શક બનશે.

(3:55 PM IST)