હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રેમ સરહદો ઓળંગે છે: સ્કોટિશ MP માર્ટિન ડે અને મલયાલી નિધિનના કેરળના પવિત્ર ગુરુવાયુર મંદિરમાં સાત ફેરા; વાયરલ થયો વીડિયો
9 વર્ષ પહેલાં યુકેમાં લગ્ન નોંધાવ્યા બાદ આખરે પવિત્ર ગુરુવાયુર ધામમાં ઈચ્છા પૂરી થઈ; વિઝા પ્રશ્ને રૂબરૂ મળેલા પૂર્વ સંસદસભ્ય અને કેરળની દીકરીની અનોખી પ્રેમકહાની

થ્રિસુર (કેરળ), તા. 20: પ્રેમ કોઈ સરહદો, ભાષા કે સંસ્કૃતિના બંધનોને ગણકારતો નથી - આ વાતને ચરિતાર્થ કરતો એક ખૂબ જ રોમાંચક અને આહલાદક પ્રસંગ કેરળના ત્રિસુર સ્થિત પ્રસિદ્ધ ગુરુવાયુર મંદિરમાં જોવા મળ્યો હતો. બ્રિટનના ભૂતપૂર્વ સાંસદ અને સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) ના નેતા માર્ટિન ડેએ તેમની ભારતીય પ્રેમિકા અને મલયાલી મહિલા નિધિન ચાંદ સાથે સંપૂર્ણ દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર ગુરુવાયુર મંદિરમાં લગ્નગ્રંથિથી જોડાઈને પોતાના જીવનની નવી શરૂઆત કરી છે.
પરંપરાગત શૈલીમાં પ્રભુતામાં પગલાં અને વાયરલ વીડિયો
સવારે 11:00 વાગ્યે પવિત્ર ગુરુવાયુર મંદિરના મંડપમાં બંનેએ પરંપરાગત રીત-રિવાજો સાથે લગ્ન કર્યા હતા. આ પવિત્ર પ્રસંગે નિધિનનો 22 વર્ષીય પુત્ર વેદિક શંકર, નજીકના સંબંધીઓ અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના દિવ્ય પરિસરમાં યોજાયેલા આ લગ્ન બાદ પુષ્પાંજલિ ઓડિટોરિયમમાં એક ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કોટિશ સાંસદના ભારતીય પોશાકમાં સજ્જ થઈને લગ્ન કરવાના આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે અને લોકો આ જોડી પર પ્રેમ વરસાવી રહ્યા છે.
વિઝા વિવાદથી શરૂ થયેલી અનોખી પ્રેમકહાની
નિધિન મૂળ કેરળના પીરાવોમની વતની છે અને નિવૃત્ત વેટરનરી ફિલ્ડ ઓફિસર કે.એન. ચાંડીની પુત્રી છે. ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યા બાદ તે 2008માં ઉચ્ચ અભ્યાસ (IT મેનેજમેન્ટ અને ત્યારબાદ Ph.D.) માટે યુકે ગઈ હતી. તે સમયે યુકેના વિઝા નિયમોમાં ફેરફાર થતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. નિધિને પોતાના વિઝા રદ થતાં હિંમત હાર્યા વગર સંસદીય સમિતિઓમાં લોબિંગ શરૂ કર્યું હતું.
ફેબ્રુઆરી 2016માં વિઝા મુદ્દા અંગેની એક મુલાકાત દરમિયાન નિધિન લિન્લિથગો અને પૂર્વ ફાલ્કિર્ક ક્ષેત્રના તત્કાલીન બ્રિટિશ સાંસદ માર્ટિન ડેને મળી હતી. શરૂઆતમાં મિત્રતાથી શરૂ થયેલો આ સંબંધ ટૂંક સમયમાં ગાઢ પ્રેમમાં પરિણમ્યો હતો.
9 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ સ્વપ્ન પૂર્ણ થયું
નિધિનની લાંબા સમયથી ગુરુવાયુર મંદિરમાં પ્રભુતામાં પગલાં પાડવાની ઈચ્છા હતી. પરંતુ વિઝા સંબંધિત મુશ્કેલીઓ અને કાનૂની પ્રક્રિયાઓને કારણે તેમણે 9 વર્ષ પહેલાં યુકેમાં જ કાયદેસર રીતે લગ્ન નોંધાવી દીધા હતા. માર્ટિન ડે અગાઉ પણ 2018, 2019 અને 2023માં કેરળ આવ્યા હતા પરંતુ ગુરુવાયુર મંદિરના દર્શન શક્ય બન્યા નહોતા. પોતાની ચોથી ભારતયાત્રા દરમિયાન આ દંપતીએ આખરે પવિત્ર મંદિરમાં વૈદિક વિધિથી લગ્ન કરીને નિધિનનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર કર્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
