હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી હાઈકોર્ટમાં NEET-UG OMR શીટ છેડછાડના દાવા ફગાવી દેવાયા: સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સનસનાટી ફેલાવતા આરોપો સામે કડક વલણ અપનાવ્યું
NTA અને માર્ક્સ સુધારા અંગેની જાહેર હિતની અરજી (PIL) ફગાવતી દિલ્હી હાઈકોર્ટ; પીડિત ઉમેદવારોને વ્યક્તિગત રજૂઆત કરવાની મુક્તિ આપી

નવી દિલ્હી, તા.૨૦: દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલી NEET-UG રિ-ટેસ્ટને લઈને વધુ એક મોટો વળાંક સામે આવ્યો છે. પરીક્ષામાં OMR શીટ સાથે મોટા પાયે ગેરરીતિ અને છેડછાડ થઈ હોવાના આરોપોને કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ ઉમેદવારની OMR શીટ સાથે કોઈ જ છેડછાડ કરવામાં આવી નથી. બિનપાયાદાર અને સનસનાટીભર્યા દાવાઓ ઊભા કરીને દેશમાં એક ખોટી "કથા" (Narrative) સેટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે બિલકુલ ચલાવી લેવાય નહીં.
મુખ્ય ન્યાયાધીશ ડી. કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ખંડપીઠ સમક્ષ આ સમગ્ર મામલાની ગંભીર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બે NEET-UG ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) માં પોતાના માટે વધારાના માર્ક્સ આપવાની સાથે સાથે રદ કરાયેલા પ્રશ્નો અંગે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) માં સુધારા કરવાની માંગ કરવામાં આવી હતી. અરજદારોમાંથી એકે તેની OMR શીટ બદલાઈ ગઈ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું કે, ઉમેદવારના પ્રશ્નપત્ર પરનું 'રફ વર્ક' અને OMR શીતમાં ટીક કરેલા જવાબો વચ્ચે વિરોધાભાસ છે, જેના કારણે આ ભ્રમ ઊભો થયો છે, વાસ્તવમાં કોઈ છેડછાડ થઈ નથી.
અરજદારોના વકીલે દલીલ કરી હતી કે આ મુદ્દો માત્ર બે વિદ્યાર્થીઓ પૂરતો સીમિત નથી પરંતુ હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલો છે. ઘણા વિદ્યાર્થીઓ વાલીઓની પરવાનગી ના મળવાને કારણે આગળ આવ્યા નથી. પરંતુ, દિલ્હી હાઈકોર્ટે આ પ્રકારની મિશ્ર માંગણીઓ ધરાવતી PIL સંભાળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કોર્ટે નોંધ્યું કે વ્યક્તિગત રાહત અને સંસ્થાકીય સુધારાની માંગણીઓને એકસાથે ભેગી કરીને PIL કરી શકાય નહીં. જો કોઈ ચોક્કસ વિદ્યાર્થીને વ્યક્તિગત અન્યાય થયો હોય, તો તે અલગથી કોર્ટના દરવાજા ખખડાવી શકે છે.
અંતે, હાઈકોર્ટના કડક વલણને જોતા અરજદારોએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. કોર્ટે એક અરજદારને NEET જેવી રાષ્ટ્રીય પરીક્ષાઓમાં માળખાકીય અને સંસ્થાકીય સુધારાઓ લાવવા માટે અલગથી નવી PIL દાખલ કરવાની છૂટ આપી છે, જ્યારે OMR છેડછાડનો આરોપ લગાવનાર બીજા ઉમેદવારને પોતાની વ્યક્તિગત અરજી અલગથી દાખલ કરવાની મુક્તિ આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
