<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

"સુરક્ષા ફક્ત એક બહાનું હતું, અસલી મકસદ વપરાશકર્તાઓ વધારવાનો હતો": મેટાના ભૂતપૂર્વ ડિરેક્ટરે અમેરિકી અદાલતમાં ઇન્સ્ટાગ્રામની પોલ ખોલી

13 વર્ષથી ઓછી વયના બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવાનો અને માતાપિતાની મંજૂરી વિના ડેટા ચોરી કરવાનો ચોંકાવનારો આક્ષેપ

વોશિંગ્ટન, તા.૨૦: મેટા (Meta) કંપની પોતાની કમાણી અને ગ્રાહકોની સંખ્યા વધારવા માટે બાળકોના સુરક્ષાના ધોરણોને કોરાણે મૂકી રહી હોવાનો એક સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે. યુએસ ફેડરલ કોર્ટમાં જુબાની આપતી વખતે મેટાના ભૂતપૂર્વ એન્જિનિયરિંગ ડિરેક્ટર આર્ટુરો બેજારે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામે 13 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે "પૂછશો નહીં, કહો નહીં" ની બિનજવાબદાર નીતિ અપનાવી હતી. પ્લેટફોર્મ પર બાળ સુરક્ષાને હંમેશા છેલ્લી પ્રાથમિકતા ગણવામાં આવી હતી, જ્યારે યુઝર્સનો સમય અને એન્ગેજમેન્ટ વધારવાને જ સર્વોપરી માનવામાં આવતું હતું.

 

કોર્ટમાં પોતાની સળગતી જુબાનીના બીજા દિવસે બેજારે સ્પષ્ટ કર્યું કે, મેટા પોતાના કર્મચારીઓનું પ્રદર્શન અને તેમનું બોનસ માત્ર એ વાત પરથી નક્કી કરતું હતું કે યુઝર્સ પ્લેટફોર્મ પર કેટલો સમય વિતાવે છે. આ કોર્પોરેટ લાલચમાં બાળ સુરક્ષા સાવ પાછળ રહી ગઈ હતી. તેમના સંશોધન મુજબ, 13 વર્ષથી ઓછી વયના હજારો નાના બાળકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે તે વાત કંપનીમાં સૌ કોઈ જાણતું હતું. આશ્ચર્યની વાત એ છે કે નકલી એકાઉન્ટ્સ પકડવા માટે મેટા પાસે અત્યાધુનિક સિસ્ટમ છે, પરંતુ સગીર બાળકોની ઉંમર ચકાસવા માટે કર્મચારીઓને કોઈ સ્પષ્ટ લક્ષ્યાંક કે મેટ્રિક્સ આપવામાં આવ્યા નહોતા.

 

અમેરિકાના 29 જેટલા રાજ્યોએ 2023માં ટેક જાયન્ટ મેટા સામે મહત્ત્વનો દાવો માંડ્યો છે, જેમાં આરોપ છે કે કંપની જાણી જોઈને એવી વિશેષતાઓ (Features) ડિઝાઇન કરે છે જેનાથી બાળકો સોશિયલ મીડિયાના વ્યસની બની જાય. આ ઉપરાંત, ફેડરલ કાયદાઓનો સરેઆમ ભંગ કરીને વાલીઓની સંમતિ વિના જ બાળકોનો ખાનગી ડેટા એકત્રિત કરવામાં આવતો હતો. ઇન્સ્ટાગ્રામના સુરક્ષા સુધારાઓ પર પ્રહાર કરતા બેજારે કહ્યું કે, "ટેક અ બ્રેક" જેવા ફીચર્સ માત્ર બતાવવાના દંતૂડિયા છે અને તે નિષ્ફળ જવા માટે જ બનાવવામાં આવ્યા છે, કારણ કે તેને ડિફોલ્ટ ઓન રાખવાને બદલે યુઝર્સ પર છોડી દેવાયા છે.

 

બીજી તરફ, મેટાના વકીલ પોલ શ્મિટે તમામ આરોપોને નકારી કાઢતા બચાવ કર્યો છે કે ટ્રાયલ દરમિયાન રજૂ થનારા પુરાવાઓ સુરક્ષા પ્રત્યે કંપનીની ગંભીરતા સાબિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે કિશોરોનું માનસિક સ્વાસ્થ્ય અને સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ ખૂબ સંવેદનશીલ મુદ્દાઓ છે, અને મેટા માતાપિતા તથા સગીરો સાથે મળીને તેમની જવાબદારી નિભાવવા માટે કટિબદ્ધ છે.

 

(4:10 PM IST)