<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

રૂ. ૩૦,૦૦૦ કરોડથી વધુના વિદેશી ફંડ ટ્રાન્સફરમાં મોટું કૌભાંડ?: આવકવેરા વિભાગે ૩૯૪ શંકાસ્પદ કંપનીઓ અને ૩૬ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પર કસ્યો શિકંજો

મોરેશિયસ, યુએઈ અને સિંગાપોરની શેલ કંપનીઓ મારફતે કાળું નાણું વિદેશ મોકલવાનો ખેલ; બ્લેક મની એક્ટ હેઠળ કડક કાર્યવાહીના સંકેત

નવી દિલ્હી, તા.૨૦: ભારતના આવકવેરા વિભાગ દ્વારા વિદેશી નાણાકીય વ્યવહારો (Foreign Remittances) ક્ષેત્રે એક અત્યંત મોટું અને તીવ્ર તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ છ મહિનામાં રૂ. ૩૦,૦૦૦ કરોડથી વધુ રકમના શંકાસ્પદ વિદેશી ટ્રાન્સફર મામલે આઈટી વિભાગે ૩૯૪ મોટી સંસ્થાઓ અને ૩૬ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિતના વ્યાવસાયિકોને પોતાની તપાસના રડારમાં લીધા છે. તપાસકર્તાઓ એ બાબતની ઊંડાણપૂર્વક છાણવટ કરી રહ્યા છે કે આ કંપનીઓની વાસ્તવિક આવક અને બિઝનેસ પ્રોફાઇલ સામે વિદેશ મોકલવામાં આવેલી જંગી રકમ મેળ ખાય છે કે નહીં.

 

આવકવેરા વિભાગના આંકડા મુજબ, આ સમયગાળા દરમિયાન ૫,૦૦૦થી વધુ વિદેશી સંસ્થાઓને કુલ રૂ. ૧ લાખ કરોડથી વધુ રકમ મોકલવામાં આવી હતી. જેમાંથી આશરે ૩૦ ટકા જેટલા વ્યવહારો ભારે શંકાસ્પદ જણાયા છે. મનીકન્ટ્રોલના રિપોર્ટ અનુસાર, આ તપાસ હેઠળ આવેલી મોટાભાગની કંપનીઓ મોરેશિયસ, યુએઈ (UAE) અને સિંગાપોરમાં સ્થિત બોગસ અને શેલ (Shell) કંપનીઓ છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ શંકાસ્પદ નેટવર્કમાં લગભગ ૫ ટકા કંપનીઓ ભારતના મુખ્ય અગ્રણી કોર્પોરેટ ગૃહો સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે.

 

તપાસ દરમિયાન એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં નાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ સોફ્ટવેરની આયાત, કન્સલ્ટિંગ ફી અને ફ્રેઇટ ચાર્જિસના નામે કરોડો રૂપિયા વિદેશ મોકલ્યા હતા. તપાસ કરતી વખતે એ પણ બહાર આવ્યું કે કેટલીક કંપનીઓ તેમના નોંધાયેલા સરનામા પર અસ્તિત્વમાં જ નહોતી. વધુમાં, તાજેતરના દરોડામાં બોગસ ચેરિટેબલ ટ્રસ્ટો દ્વારા ડમી દાન મેળવીને નાણાં વિદેશ ભગાડવાના નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે.

 

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વિદેશમાં નાણાં મોકલવા એ ગુનો નથી, પરંતુ ખોટા કારણો દર્શાવીને કરચોરી કે મની લોન્ડરિંગ કરવું ગેરકાયદેસર છે. જો આ તપાસમાં સાબિત થશે કે આ નાણાંનો ઉપયોગ વિદેશમાં અઘોષિત સંપત્તિઓ ખરીદવા માટે થયો હતો, તો જવાબદાર કંપનીઓ અને પ્રોફેશનલ્સ સામે સામાન્ય ઇન્કમ ટેક્સ એક્ટ ઉપરાંત 'બ્લેક મની એક્ટ' (Black Money Act) હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

(4:20 PM IST)