<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

પાકિસ્‍તાને ફરી અમેરિકા પાસે ૧૦ અબજ ડોલરની ભીખ માંગી

દેવાના ડુંગર નીચે દબાયેલા પાકિસ્‍તાને વિદેશી હૂંડિયામણ બચાવવા એક્‍સચેન્‍જ સ્‍ટેબિલાઇઝેશન ફેસિલિટીના નામે લાંબો હાથ : અમેરિકા તરફથી મળ્‍યો ઠેંગોઃ સપ્‍ટેમ્‍બરના અંતમાં જવાબ મળવાની આશા

ઇસ્‍લામાબાદ, તા.૨૦: કંગાળિયતના આરે પહોંચેલું પાકિસ્‍તાન પોતાની આર્થિક નાદારી છુપાવવા માટે દર વખતે નવા રસ્‍તા અને નવા શબ્‍દો શોધી કાઢે છે. દાયકાઓથી મિત્ર દેશો અને વૈશ્વિક સંસ્‍થાઓ સામે લોનની ભીખ માંગતા પાકિસ્‍તાને આ વખતે પોતાના જૂના આકા યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ અમેરિકા તરફ નજર દોડાવી છે. દેશના નાણામંત્રી મુહમ્‍મદ ઔરંગઝેબે વોશિંગ્‍ટન સમક્ષ ૧૦ અબજ (લગભગ ૧૦ બિલિયન ડોલર) ની નાણાકીય મદદ માટે વિનંતી કરી છે. જોકે, આ વખતે પાકિસ્‍તાની સરકારે તેને ભીખ કે સાધારણ લોન કહેવાને બદલે એક્‍સચેન્‍જ સ્‍ટેબિલાઇઝેશન સપોર્ટ ફેસિલિટી જેવું આકર્ષક ફાઇનાન્‍સિયલ નામ આપીને રજૂ કરવાની કોશિશ કરી છે.

અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્‍ટ સમક્ષ મુકવામાં આવેલી આ વિશાળ રકમની માંગણી અંગે પાકિસ્‍તાની નાણામંત્રીનું કહેવું છે કે, આ કોઈ સામાન્‍ય ઉધાર નથી પણ કરન્‍સી સ્‍થિરતા અને ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સને સકારાત્‍મક સંકેત આપવા માટેની એક આર્થિક કવાયત છે. પરંતુ વાસ્‍તવિકતા એ છે કે પાકિસ્‍તાનની તિજોરી તળિયાઝાટક થઈ ચૂકી છે અને દેશની નાણાકીય સખત કટોકટી વચ્‍ચે તેને વોશિંગ્‍ટન તરફથી હજુ સુધી કોઈ મંજૂરી કે લીલી ઝંડી મળી નથી. પાકિસ્‍તાનને આશા છે કે સપ્‍ટેમ્‍બરના અંત સુધીમાં અમેરિકી ટ્રેઝરી અથવા એક્‍ઝિમ બેંક તરફથી કોઈ હકારાત્‍મક પ્રતિભાવ મળશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩માં ડિફોલ્‍ટ થવાના આરે પહોંચી ગયેલા પાકિસ્‍તાનને IMF અને ગલ્‍ફ દેશો તરફથી સમયસર મળેલી ઇમરજન્‍સી મદદને કારણે અર્થતંત્રનો શ્વાસ ચાલુ રહ્યો હતો. હાલમાં પણ પાકિસ્‍તાન ૭ અબજના IMF પ્રોગ્રામ પર નભી રહ્યું છે. પોતાની શાખ બચાવવા અને આંતરરાષ્‍ટ્રીય ક્રેડિટ રેટિંગ સુધારવાની ગુલબાંગો પોકારતું પાકિસ્‍તાન હવે શોર્ટ-ટર્મ રોલઓવરના બદલે અમેરિકા પાસેથી લાંબા ગાળાના આર્થિક ટેકાની આશા રાખીને બેઠું છે, પરંતુ વોશિંગ્‍ટનનો ઠંડો પ્રતિસાદ દર્શાવે છે કે દુનિયા હવે પાકિસ્‍તાનની આ માંગણીઓની અસલિયત સમજી ચૂકી છે.

 

(4:20 PM IST)