<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

પગાર ૧૦ હજાર પણ બેંકમાં ૧૭ કરોડના વ્‍યવહારઃ ગાર્ડને GST નોટિસ

ત્રણ કરોડથી વધુનો ટેક્‍સ જમા કરવા કહેવામાં આવ્‍યું

કાનપુર,તા.૨૦: કાનપુરના હંસપુરમમાં રહેતા ઓમજી શુક્‍લા સિક્‍યોરિટી કંપનીમાં ગાર્ડની નોકરી કરતા હતા. તેમની મહિનાની કમાણી આશરે ૧૦ હજાર રૂપિયા જેટલી હતી. આ જ આવકથી તેમનું ઘર ચાલતું હતું. પરંતુ ૨૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ના રોજ મળેલી એક GST નોટિસે તેમની જિદગી ખરાબ કરી નાખી. નોટિસમાં તેમના નામે ૧૭ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ દર્શાવવામાં આવ્‍યો હતો અને ત્રણ કરોડથી વધુનો ટેક્‍સ જમા કરવા કહેવામાં આવ્‍યું હતું. ઓમજી શુક્‍લા કહે છે કે, ‘‘મેં જીવનમાં ત્રણ કરોડ રૂપિયા તો દૂર, ત્રણ લાખ રૂપિયા પણ ક્‍યારેય જોયા નથી.'' અચાનક કરોડોના વ્‍યવહાર અને ટેક્‍સની માહિતી મળતાં તેઓ ભારે પરેશાન થઈ ગયા. મદદ માટે તેમણે પોલીસ સ્‍ટેશનથી લઈને વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવા શરૂ કર્યા. ઓમજી શુક્‍લા સૌથી પહેલા પોલીસ પાસે પહોંચ્‍યા, પરંતુ તેમને GST વિભાગનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી. ત્‍યારબાદ તેઓ એક વેપારી નેતા સાથે જીએસટી કચેરી પહોંચીને પોતાની વાત રજૂ કરી, પરંતુ ત્‍યાંથી પણ કોઈ રાહત મળી નહીં. દિલ્‍હીના જીએસટી હેડક્‍વાર્ટરને પત્ર લખ્‍યો, છતાં સમસ્‍યા ઉકેલાઈ નહીં.

સતત સરકારી કચેરીઓના ધક્કા અને માનસિક તણાવના કારણે તેમની નોકરી પણ જતી રહી. આજે તેમની પાસે કોઈ રોજગાર નથી. જીએસટીના રેકોર્ડમાં તેઓ કરોડોના વેપારી તરીકે દેખાય છે, જ્‍યારે વાસ્‍તવિકતામાં તેમની પાસે ઘર ચલાવવા માટે પણ પૂરતી આવક નથી. નોટિસ મળ્‍ય પછી, તેમની પરેશાની આટલેથી ન અટકી, તેમનો આરોપ છે કે તેમનું રાશન કાર્ડ પણ રદ થઈ ગયું છે અને અન્‍ય સરકારી સુવિધાઓ બંધ થઈ ગઈ છે. કરોડોનો બિઝનેસ તેમના નામે નોંધાયેલો હોવાથી આર્થિક મદદ કે લોન લેવાની પણ હાલત નથી. તેઓ સતત આ મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. ઓમ જી શુક્‍લાએ જણાવ્‍યું કે, પૂર્વ પોલીસ કમિશનર અખિલ કુમાર સમક્ષ પણ તેમણે ફરિયાદ કરી હતી અને તપાસના આદેશ આપવામાં આવ્‍યા હતા, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નહીં. ત્‍યારબાદ મંગળવારે તેમણે હાલના પોલીસ કમિશનર રઘુવીર લાલ સાથે મુલાકાત કરી. શુક્‍લાએ રડતાં-રડતાં પોતાની વેદના રજૂ કરી. પોલીસ કમિશનરે મામલાને ગંભીરતાથી લેતાં પોલીસને FIR નોંધવાના નિર્દેશ આપ્‍યા. સાથે જ આખા પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાન્‍ચ પાસે કરાવવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. પોલીસ હવે એ શોધવાનો પ્રયાસ કરશે કે શુક્‍લાના ડોક્‍યુમેન્‍ટનો કોણે ખોટો ઉપયોગ કર્યો છે અને તેમના નામે કરોડોનો બિઝનેસ કેવી રીતે નોંધાયો.

શુક્‍લાનો આરોપ છે કે, કોઈ વ્‍યક્‍તિએ તેમના નામે ફર્મ બનાવી અને તેમના પાન કાર્ડનો ઉપયોગ કર્યો. તેમનું કહેવું છે કે આ કામ કોઈ એવા વ્‍યક્‍તિએ કર્યું હશે, જેને તેમની અંગત માહિતીની જાણ હતી. તેમનો દાવો છે કે તેમના નામે કરોડો રૂપિયાનો બિઝનેસ થઈ રહ્યો હોવાની તેમને ભનક પણ ન પડી. હવે તેમને પોલીસ તપાસથી સત્‍ય સામે આવવાની આશા છે

(4:33 PM IST)