હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચીનના રિયલ એસ્ટેટ કૌભાંડમાં મોટો ધડાકો: ૩૦૦ અબજ ડોલરના દેવા તળે દબાયેલી એવરગ્રાન્ડના સ્થાપક હુઇ કા યાનને આજીવન કેદની સજા
નાણાકીય છેતરપિંડી અને ભંડોળના દુરુપયોગ બદલ ચીનની કોર્ટે તમામ સંપત્તિ જપ્ત કરવાનો આપ્યો આદેશ; કંપની પર રૂ. ૧૬,૦૦૦ કરોડથી વધુનો દંડ ફટકારાયો

બેઇજિંગ, તા.૨૦: ચીનના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અત્યાર સુધીના સૌથી મોટા નાણાકીય કૌભાંડમાં એક ઐતિહાસિક ચુકાદો આપતાં બેઇજિંગની અદાલતે ચાઇના એવરગ્રાન્ડ ગ્રુપના સ્થાપક અને ભૂતપૂર્વ અબજોપતિ હુઇ કા યાનને આજીવન કેદ (ઉંમર કેદ) ની સજા ફટકારી છે. ૩૦૦ અબજ ડોલર (આશરે ૨૫ લાખ કરોડ રૂપિયા) થી વધુના જંગી દેવાના બોજ તળે દબાયેલી એવરગ્રાન્ડ કંપનીના પતન સાથે જોડાયેલા અનેક ગંભીર નાણાકીય ગુનાઓમાં દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે હુઇની તમામ વાસ્તવિક અને વ્યક્તિગત સંપત્તિ જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.
અદાલત સમક્ષ ચાલેલી સુનાવણી દરમિયાન હુઇ પર ભંડોળનો દુરુપયોગ, ગેરકાયદેસર રીતે જાહેર થાપણો એકત્ર કરવી અને ભંડોળ એકત્ર કરવામાં વિરાટ સ્તરની છેતરપિંડી સહિતના આઠ ગંભીર આરોપો સાબિત થયા હતા. આ ચુકાદો હુઇ માટે એક અત્યંત નાટકીય પતન દર્શાવે છે, જેમણે ક્યારેક એક નાની પ્રાદેશિક કંપનીમાંથી એવરગ્રાન્ડને ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ જાયન્ટ બનાવી દીધી હતી. જોકે, તેમની અનિયંત્રિત આકાંક્ષાઓ અને ગેરરીતિઓને કારણે આખી કંપની પતનના આરે પહોંચી ગઈ હતી, જે આજે સમગ્ર ચીનના રિયલ એસ્ટેટ સંકટનું મુખ્ય પ્રતીક બની ચૂકી છે.
હુઇ ઉપરાંત શેનઝેનની કોર્ટે આ કૌભાંડમાં સામેલ કંપની અને તેના વરિષ્ઠ અધિકારીઓ સામે પણ આકરાં પગલાં લીધાં છે. એવરગ્રાન્ડ ગ્રુપ પર ૮.૮૨ અબજ યુઆન (આશરે ૧.૩૧ અબજ ડોલર) અને તેની મુખ્ય પેટાકંપની હેંગડા રિયલ એસ્ટેટ પર ૭ અબજ યુઆનનો ભારે નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીના અન્ય પાંચ ઉચ્ચ અધિકારીઓને પણ ૬ થી લઈને ૧૮ વર્ષ સુધીની જેલની સજા અને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૧ માં જ્યારે એવરગ્રાન્ડે પોતાની દૈનિક જવાબદારીઓ ચૂકવવામાં હાથ ઊંચા કરી દીધા હતા, ત્યારથી ચીનના અર્થતંત્રમાં ભારે મંદીનો વાતાવરણ છવાઈ ગયો હતો. વિકાસકર્તાઓના વેચાણમાં મોટો ઘટાડો, ભંડોળની અછત અને અધૂરા રહેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને કારણે લાખો રોકાણકારોના નાણાં ફસાઈ ગયા હતા. જોકે, ચીનની કોર્ટના આ કડક નિર્ણયથી લેણદારો અને નાણાં ગુમાવનારા રોકાણકારોને પોતાના પૈસા પાછા મળશે કે કેમ તે અંગે હજુ પણ ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
