ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે મંત્રણા તેજ: ડિજિટલ ટ્રેડ, ડેટા લોકલાઇઝેશન અને નોન-ટેરિફ અવરોધો પર મોટી છૂટછાટો પર ચર્ચા
યુએસ ટેક કંપનીઓ માટે ભારતીય બજારના દરવાજા વધુ ખૂલશે; મેડિકલ ડિવાઇસ, આઇસીટી પ્રોડક્ટ્સ અને આયાત લાયસન્સિંગના કડક નિયમોમાં રાહત મળવાની શક્યતા

નવી દિલ્હી, તા.૨૦: ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આખરી ઓપ આપવા માટે વર્ચ્યુઅલ માધ્યમથી ઉચ્ચ સ્તરીય વાટાઘાટોનો નવો તબક્કો શરૂ થયો છે. 'મનીકંટ્રોલ'ના અહેવાલ મુજબ, આ વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે બિન-ટેરિફ અવરોધો (Non-tariff barriers), ડિજિટલ વેપાર અને ડેટા નિયમનકારી મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે. ભારતમાં કાર્યરત અમેરિકન ટેકનોલોજી જાયન્ટ્સ માટે બજારની સરળ પહોંચ સુનિશ્ચિત કરવા નવી દિલ્હી ડિજિટલ ક્ષેત્રે વોશિંગ્ટનને કેટલીક મહત્વપૂર્ણ છૂટછાટો આપવા વિચારી રહી છે.
આ ચર્ચાઓ ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં સંમત થયેલા વ્યાપક વેપાર માળખા (Trade Framework) ને આધીન છે, જેમાં બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોમાં નડતરરૂપ બનતા અનેક બિન-ટેરિફ મુદ્દાઓને ઓળખવામાં આવ્યા હતા. આમાં ખાસ કરીને તબીબી ઉપકરણોના નિયમો, લેપટોપ, ટેબ્લેટ, કોમ્પ્યુટર અને સર્વર જેવા આઇટી સાધનો પરની આયાત લાયસન્સિંગ પ્રક્રિયા તેમજ કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો માટેના કડક ગુણવત્તા ધોરણો અને પરીક્ષણ પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
વેપાર વાટાઘાટોમાં ક્રોસ-બોર્ડર ડેટા ફ્લો (Cross-border data flow) અને ડેટા લોકલાઇઝેશનનો મુદ્દો પણ મુખ્ય કેન્દ્રસ્થાને છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ના ૨૦૨૬ ના રાષ્ટ્રીય વેપાર અંદાજ અહેવાલમાં ભારતના ડિજિટલ નિયમો અને આયાત નીતિઓની ટીકા કરવામાં આવી હતી. તેના જવાબમાં, ભારતે તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU) સાથેના વેપાર કરારમાં ઇ-કોમર્સ, સાયબર સુરક્ષા, સોસ-કોડ પ્રોટેક્શન અને પેપરલેસ ટ્રેડ જેવા ક્ષેત્રોમાં મુક્ત જોગવાઈઓ સ્વીકારી છે, જેને પગલે અમેરિકા સાથે પણ સમાન ધોરણે કરાર થવાની સંભાવના વધી ગઈ છે.
ફેબ્રુઆરીમાં થયેલા પ્રાથમિક માળખા અનુસાર, ભારત અમેરિકી ઔદ્યોગિક અને કૃષિ પેદાશો પરના ટેરિફમાં કાપ મૂકવા સંમત થયું હતું, જ્યારે સામા પક્ષે વોશિંગ્ટન ભારતીય માલસામાન માટે ૧૮% પારસ્પરિક ટેરિફ દર રાખવા અને કરાર સફળતાપૂર્વક પૂર્ણ થતાં વધારાની કસ્ટમ ડ્યુટી રાહતો આપવા તૈયાર થયું હતું. જો આ વાટાઘાટો સફળ રહેશે, તો બંને દેશો વચ્ચે ડિજિટલ વાણિજ્ય અને આંતરરાષ્ટ્રીય રોકાણને નવી ઊંચાઈ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
