<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ભારતીય રેલ્વેના ઇતિહાસમાં નવો અધ્યાય: દેશની પ્રથમ વંદે ભારત ફ્રેઇટ ટ્રેને ટ્રાયલ રનમાં ૧૪૫ કિમી પ્રતિ કલાકની સુપરસ્પીડ નોંધાવી

માલસામાનની ઝડપી હેરફેર માટે ક્રાંતિકારી પદ્ધતિ; પશ્ચિમ મધ્ય રેલ્વેના નાગડા-કોટા સેક્શન પર ૧૬ કોચવાળા ફ્રેઇટ EMU નું સફળ ઓસિલેશન ટેસ્ટિંગ

કોટા, તા.૨૦: ભારતીય રેલ્વે નેટવર્ક પર મુસાફરોની માફક જ માલસામાનના પરિવહનને અતિ ઝડપી અને સુરક્ષિત બનાવવાના દિશામાં એક ઐતિહાસિક સફળતા મળી છે. વંદે ભારત ટેકનોલોજી પર આધારિત દેશની સૌપ્રથમ 'ફ્રેઇટ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ' (Freight EMU) ટ્રેને પોતાના ટ્રાયલ રન દરમિયાન ૧૪૫ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ પ્રાપ્ત કરીને નવો વિક્રમ સર્જ્યો છે. પશ્ચિમ મધ્ય રેલ્વે (WCR) ના નાગડા-કોટા-સવાઈ માધોપુર સેક્શન પર આ હાઇ-સ્પીડ કાર્ગો ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 

ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા વિશેષરૂપે ડિઝાઇન કરાયેલી આ ૧૬-કોચ ધરાવતી ફ્રેઇટ ટ્રેનનું ખાલી સ્થિતિમાં (Empty condition) પરીક્ષણ હાથ ધરાયું હતું. રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) અને ICF ના નિષ્ણાત ઇજનેરોની હાજરીમાં ટ્રેનની સ્થિરતા, કટોકટીના સમયે બ્રેકિંગ સિસ્ટમની ક્ષમતા અને જુદી જુદી ઝડપે તેના સંચાલનનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ૨૦.૩૨-ટન એક્સલ લોડ ધરાવતી બોગીથી સજ્જ આ ટ્રેન સુરક્ષાના તમામ કસોટીઓ પર ખરી ઉતરી છે.

 

કોટા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સૌરભ જૈને આપેલા સ્ટેજ વાઇઝ ટ્રાયલના વિવરણ અનુસાર, શરૂઆતમાં રેકને ચૌમહલા અને શામગઢ વચ્ચે ૧૨૦ કિમી/કલાકની ઝડપે ચલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઝડપ વધારીને ૧૩૫ કિમી/કલાક અને અંતિમ તબક્કામાં ચૌમહલાથી ગુર્લા વચ્ચે ટ્રેને ૧૪૫ કિમી/કલાકની સુપરસ્પીડ સફળતાપૂર્વક સ્પર્શ કરી હતી. ગતિમાં આ તબક્કાવાર વધારો ટ્રેનને અત્યંત મુશ્કેલ સંજોગોમાં પણ સ્થિર રાખવાની ક્ષમતા ચકાસવા માટે કરવામાં આવ્યો હતો.

 

આધુનિક સુવિધાઓથી સજ્જ આ વંદે ભારત કાર્ગો ટ્રેનમાં સામાનના ઝડપી અને સરળ લોડિંગ-અનલોડિંગ માટે રોલર ફ્લોર સિસ્ટમ અને ઓટોમેટિક પહોળા સ્લાઈડિંગ દરવાજા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, દૂધ, શાકભાજી અને દવાઓ જેવા તાપમાન-સંવેદનશીલ સામાન માટે રીફર (Reefer) સુવિધા, CCTV સર્વેલન્સ અને ઓટોમેટિક ફાયર ડિટેક્શન સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. જો આ ઇલેક્ટ્રિકલ અને પ્રોપલ્શન પરીક્ષણો પૂર્ણતઃ સફળ રહેશે, તો ભારતમાં સમયસર પાર્સલ ડિલિવરી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે મોટો યુગ-પરિવર્તન આવશે.

 

(5:43 PM IST)