<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

લદ્દાખમાં સુરક્ષા કર્મચારીઓ સાથે વિવાદના વાયરલ વીડિયો બાદ મહિલાની જાહેરમાં માફી: 'ભારતીય સેના અને પોલીસ વિશે મેં જે કહ્યું તે ખોટું હતું'

દિલ્હી જતી વખતે VIP મુવમેન્ટ અને કલાકોના ટ્રાફિક જામમાં ફસાયેલી ૨૫ વર્ષીય યુવતીએ હતાશામાં પ્રતિક્રિયા આપી હોવાની કબૂલાત કરી; સુરક્ષા દળો પ્રત્યે આદર વ્યક્ત કર્યો

લેહ, તા.૨૦: લદ્દાખમાં રોડ નાકાબંધી દરમિયાન સુરક્ષા કર્મચારીઓ સાથે થયેલી ઉગ્ર બોલાચાલી અને તેના વાયરલ વીડિયોથી દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર ૨૫ વર્ષીય મહિલાએ અંતે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને લદ્દાખ પોલીસની બિનશરતી માફી માંગી છે. ઓનલાઈન ભારે ટીકા અને ટ્રોલીંગનો સામનો કર્યા બાદ યુવતીએ સ્પષ્ટતા કરી છે કે કલાકો સુધી પ્રતિબંધનું કારણ જાણ્યા વિના રસ્તા પર ફસાયેલા રહેવાના કારણે તે ક્ષણિક હતાશામાં આવી ગઈ હતી અને તેના મોંમાંથી અયોગ્ય શબ્દો નીકળી ગયા હતા.

 

ઘટનાની વિગતો આપતા યુવતીએ જણાવ્યું હતું કે તે પોતાના પરિવાર સાથે લદ્દાખથી દિલ્હી જઈ રહી હતી. તે સમયે રસ્તા પર સુરક્ષાના કારણોસર VIP મુવમેન્ટ ચાલી રહી હતી, જે અંગે તેમને કોઈ પૂર્વ માહિતી નહોતી. વહેલી સવારે સળંગ ૩ થી ૪ કલાક સુધી ટ્રાફિકમાં રાહ જોયા બાદ જ્યારે સુરક્ષા જવાનને પૂછવામાં આવ્યું ત્યારે વધુ એક કલાક રાહ જોવાનું કહેવાતા વાતાવરણ તંગ બન્યું હતું. આ પરિસ્થિતિમાં માનસિક તણાવ અને હતાશાને કારણે તેણે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોતાની ભૂલનો અહેસાસ કરતા મહિલાએ NDTV ને આપેલા ઈન્ટરવ્યુમાં દિલગીરી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, "હું ભારતીય સેના અને આપણા સુરક્ષા દળોનો હૃદયપૂર્વક આદર કરું છું. મારા મનમાં સેનાનું અપમાન કરવાનો કે કોઈ પબ્લિસિટી મેળવવાનો ક્યારેય ઈરાદો નહોતો. તે સમયે મેં જે પણ શબ્દો વાપર્યા તે બિલકુલ ખોટા હતા અને મને મારી ભૂલ પર ભારે પસ્તાવો છે."

 

યુવતીએ ઉમેર્યું હતું કે આ ફૂટેજ આટલી હદે વાયરલ થશે અને તેનો દેશવ્યાપી વિરોધ થશે તેનો તેને જરાય અંદાજ નહોતો. સેના અને પોલીસ દળો દેશની સુરક્ષા માટે અવિરત સેવા આપે છે તે વાત સ્વીકારીને તેણે જાહેર મંચ પરથી તમામ સુરક્ષા એજન્સીઓ અને નાગરિકો સમક્ષ પોતાના વર્તન બદલ પશ્ચાતાપ વ્યક્ત કરીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે.

 

(5:50 PM IST)