<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

પાલઘરમાં હિટ એન્ડ રનનો સનસનાટીભર્યો મામલો: નાલાસોપારામાં બેફામ કાર ચલાવતા સગીરે ૨ મહિલાઓને રગદોડી, એકનું કરૂણ મોત

કામ પરથી ઘરે પરત ફરી રહેલી મહિલાઓ બની હિટ એન્ડ રનની શિકાર; ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન ઘેર્યું, ડ્રાઇવર અને કાર માલિક સહિત ૩ ની ધરપકડ

નાલાસોપારા : મુંબઈ નજીક પાલઘરના નાલાસોપારા વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને સનસનાટીભર્યો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. નાલાસોપારા પૂર્વ સ્થિત સેન્ટ્રલ પાર્ક નજીક તુલીંજ પોલીસ સ્ટેશનની હદમાં કથિત રીતે એક સગીર વયના ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલી બે મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

 

મળતી વિગતો અનુસાર, સેન્ટ્રલ પાર્ક વિસ્તારમાં રહેતી શ્રેયા શ્રીકાંત મિસાલ બુધવારે સાંજે પોતાના કામ પરથી મિત્ર પ્રગતિ મોરે સાથે ચાલીને ઘરે પરત ફરી રહી હતી. તે સમયે અચાનક પૂરઝડપે આવી રહેલી MH 48 CT 6433 નંબરની અનિયંત્રિત કારે બંને મહિલાઓને કચડી નાખી હતી. અકસ્માત સર્જીને બેફામ સગીર ડ્રાઇવર કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક બંને ઘાયલોને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તબીબોએ શ્રેયા મિસાલને મૃત જાહેર કરી હતી, જ્યારે પ્રગતિ મોરેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

 

આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા નાગરિકોએ સગીર ડ્રાઇવરની તાત્કાલિક ધરપકડની માંગ સાથે તુલીંજ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુલીંજ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

 

પોલીસે આ મામલે કડક કાનૂની કાર્યવાહી કરતાં તુરંત જ ગંભીર ગુનો (FIR) દાખલ કર્યો છે. સઘન તપાસના અંતે પોલીસે ઘટનામાં સંડોવાયેલા સગીર ડ્રાઇવર, કારના મૂળ માલિક અને અન્ય એક વ્યક્તિ મળીને કુલ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. સગીર વયના બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓ સામે પણ કડક સવાલો ઊભા થઈ રહ્યા છે.

 

(6:01 PM IST)