હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈ મહાનગરપાલિકામાં રાજકીય દખલગીરીનો પર્દાફાશ: BMC ઇજનેરોની બદલી, પ્રમોશન અને પોસ્ટિંગમાં મંત્રીઓ તથા ધારાસભ્યોના પત્રોનો RTI માં ખુલાસો
મુંબઈ બહારના જનપ્રતિનિધિઓએ પણ કરી મનપસંદ ખાતાઓમાં પોસ્ટિંગ માટે ભલામણો; RTI કાર્યકર્તાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ ભલામણ પત્રો પર કડક પ્રતિબંધ મૂકવા માંગ કરી

મુંબઈ : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના ઇજનેરોના પ્રમોશન, ટ્રાન્સફર અને મનપસંદ વિભાગોમાં પોસ્ટિંગ આપવા માટે મોટા પાયે રાજકીય દબાણ લાવવામાં આવતું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો માહિતી અધિકાર (RTI) હેઠળ મળેલા દસ્તાવેજોમાં થયો છે. RTI માં સામે આવેલી વિગતો અનુસાર, શાસક અને વિપક્ષ બંને પક્ષના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો દ્વારા પોતાના પત્રો મારફતે BMC ના વિવિધ વિભાગોમાં ઇજનેરોને ગોઠવવા માટે મજબૂત ભલામણો કરવામાં આવી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે મુંબઈ બહારના કેટલાક ધારાસભ્યો અને સાંસદોએ પણ મુંબઈ પાલિકાના અધિકારીઓ માટે આવી ભલામણો જારી કરી હતી.
RTI કાર્યકર્તા સંતોષ દૌંડકર દ્વારા મેળવવામાં આવેલા રેકોર્ડ્સ દર્શાવે છે કે વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૬ દરમિયાન સિવિલ, વોટર એન્જિનિયરિંગ, પર્યાવરણ, હેલ્થ, સ્ટોર્મ વોટર ડ્રેઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના વિભાગોમાં જુનિયર, સબ અને અસિસ્ટન્ટ ઇજનેરોની પોસ્ટિંગ માટે જનપ્રતિનિધિઓએ પોતાના લેટરહેડનો ઉપયોગ કર્યો હતો. વર્ષોથી એક જ સ્થાને જમાવડો કરીને બેઠેલા ઇજનેરોની બદલીઓ રોકવા કે ખાલી પડેલી જગ્યાઓ પર પ્રમોશન અપાવવા માટે કૌટુંબિક અને વ્યક્તિગત કારણો આગળ ધરીને ભલામણ પત્રો મોકલવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, તાજેતરમાં ઓનલાઈન પરીક્ષા યોજાય તે પહેલાં જ ૧૨૨ જેટલા સહાયક અને માધ્યમિક ઇજનેરોની રાતોરાત કરવામાં આવેલી બદલીઓને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલાની ગંભીરતા જોઈને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ત્વરિત પગલાં ભર્યા હતા, જેના પરિણામે તત્કાલીન BMC એડિશનલ કમિશનરની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી. આ અગાઉના વિવાદની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ RTI ના આ નવા ખુલાસાએ પાલિકાના વહીવટી તંત્રની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
RTI કાર્યકર્તાએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લેખિત ફરિયાદ કરીને વિનંતી કરી છે કે તેઓ સરકારી કક્ષાએ એક વિશેષ જાહેરનામું બહાર પાડે, જેમાં કોઈ પણ જનપ્રતિનિધિ કે મંત્રીને બદલી અને પોસ્ટિંગ બાબતે ભલામણ પત્રો લખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે. આ સમગ્ર મામલે જ્યારે BMC વડા અશ્વિની ભીડેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમની તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નહોતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
