હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉદ્યોગોને હવે વારંવાર લાયસન્સ રિન્યુઅલની ઝંઝટમાંથી મળશે કાયમી મુક્તિ : માન્યતા 15 વર્ષ સુધી લંબાવાશે!
નીતિ આયોગ અને ભૂતપૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સમિતિનો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવા માટેનો માસ્ટરપ્લાન, FSSAI, પર્યાવરણીય મંજૂરીઓ, ફાર્મા અને BIS લાયસન્સિંગ ક્ષેત્રે મોટો ક્રાંતિકારી સુધારો

નવી દિલ્હી : ભારતમાં વ્યવસાય શરૂ કરવા અને તેને નિર્બાધપણે ચલાવવા માટે સરકારી ઓફિસોના ચક્કર કાપતા તથા વારંવાર લાયસન્સ રિન્યુ કરાવવાની જટિલ પ્રક્રિયામાંથી પસાર થતા લાખો ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ માટે કેન્દ્ર સરકાર તરફથી અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને નવી ઊંચાઈએ પહોંચાડવાના લક્ષ્ય સાથે ભારત સરકાર નાણાકીય વર્ષ 2026-27થી વિવિધ ક્ષેત્રોના મંજૂરી લાયસન્સની માન્યતા અવધિ પ્રવર્તમાન 1 થી 3 વર્ષથી સીધી લંબાવીને 10 થી 15 વર્ષ સુધી કરવાની એક આક્રમક યોજના પર કામ કરી રહી છે. નીતિ આયોગના સુધારા એજન્ડા હેઠળ તૈયાર કરાયેલા આ ક્રાંતિકારી રોડમેપથી ખાસ કરીને હોસ્પિટાલિટી, ફાર્માસ્યુટિકલ, ખાદ્ય સુરક્ષા (FSSAI), પર્યાવરણીય મંજૂરીઓ , પેટ્રોકેમિકલ્સ અને BIS પ્રમાણપત્ર જેવા ક્ષેત્રોને વાર્ષિક ધોરણે રિન્યુઅલના નામે થતી અમલદારશાહીની હેરાનગતિ અને "ઇન્સ્પેક્ટર રાજ" માંથી મુક્તિ મળશે.
આ મહત્વકાંક્ષી નીતિગત પરિવર્તનનું સૌથી મોટું ઉદાહરણ હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં જોવા મળી રહ્યું છે, જ્યાં એક માત્ર પ્રોજેક્ટ શરૂ કરવા માટે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક તંત્ર પાસેથી આશરે 60 જેટલી અલગ-અલગ પરવાનગીઓ લેવી પડે છે. કેન્દ્ર સરકારનું મોડેલ સ્પષ્ટ કરે છે કે સુધારાનો હેતુ લાયસન્સ સંપૂર્ણ નાબૂદ કરવાનો કે ફી માફ કરવાનો નથી, પરંતુ પુનરાવર્તિત દસ્તાવેજી પ્રક્રિયાઓ (Paperwork) નો અંત આણવાનો છે. આ સૂચિત ફ્રેમવર્ક હેઠળ વ્યવસાયોએ દર વર્ષે માત્ર નિયત વાર્ષિક સબ્સ્ક્રિપ્શન કે ફાઇલિંગ ફી ચૂકવવાની રહેશે, જ્યારે તેમનું લાયસન્સ સતત 15 વર્ષ સુધી કાનૂની રીતે માન્ય રહેશે. આ વ્યવસ્થાથી નાના અને મોટા ઉદ્યોગોનો કિંમતી સમય અને માનવબળ કાગળિયા પૂર્ણ કરવામાં વેડફાવાને બદલે ઉત્પાદકતા અને વ્યવસાયિક વિસ્તરણ પાછળ ઉપયોગમાં લઈ શકાશે, જે આર્થિક વૃદ્ધિને વેગ આપશે.
આ સમગ્ર વ્યાપક નીતિગત સુધારાની પ્રક્રિયા ઓગસ્ટ 2025માં રચાયેલી ભૂતપૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી ઉચ્ચ-સ્તરીય સમિતિની ભલામણો પર આધારિત છે. આ સમિતિ કેન્દ્રના તમામ મંત્રાલયોના જૂના અને બોજરૂપ નિયમોની સમીક્ષા કરી રહી છે જેથી વ્યવસાયો પરથી બિનજરૂરી પાલનનો બોજ નાબૂદ કરી શકાય. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા, પર્યાવરણ કે જાહેર આરોગ્ય સાથે જોડાયેલા કડક ધોરણોમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને એક સિંગલ લાયસન્સ બનાવવાને બદલે પ્રક્રિયાગત સરળીકરણ પર ધ્યાન અપાશે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જ તબક્કાવાર રીતે લાગુ થનારા આ સુધારાથી ભારત વૈશ્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક બનશે અને દેશની નિયમનકારી સિસ્ટમ પરથી અમલદારશાહીનો ભય દૂર થઈને વધુ પારદર્શક અને વિશ્વસનીય વાતાવરણ ઉભું થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
