હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને આતંકવાદી ઘોષિત કરવાની તૈયારી : 14 રાજ્યોમાં 200થી વધુ દબોચાયા
સોશિયલ મીડિયા પર યુવાનોને લલચાવી રેલવે ટ્રેક, સિગ્નલ બોક્સ અને ટાર્ગેટેડ કિલિંગ માટે આતંકી સ્લીપર સેલ તૈયાર કરનાર પાકિસ્તાની સિન્ડિકેટ પર યુપી ATS અને કેન્દ્રીય એજન્સીઓનો મોટો પ્રહાર

લખનૌ : પાકિસ્તાન સ્થિત અને ISI-સમર્થિત ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીના ગેંગસ્ટર-ટુ-ટેરર નેટવર્કને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (UP ATS) અને કેન્દ્રીય એજન્સીઓએ આક્રમક મોર્ચો ખોલ્યો છે. વિદેશથી ઇન્સ્ટાગ્રામ અને વિડિયો કૉલ્સ દ્વારા ભારતીય યુવાનોને 5,000 થી 10,000 રૂપિયાની લાલચ આપીને આતંકી પ્રવૃત્તિઓમાં ધકેલતા ભટ્ટી અને તેના મોડ્યુલને 'આતંકવાદી સંગઠન' તરીકે ઘોષિત કરવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલયને વિસ્તૃત ડોઝિયર મોકલી દેવાયું છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ લખનૌ, ગાઝિયાબાદ, બિજનૌર અને હાપુર સહિતના વિસ્તારોમાં 12 થી વધુ FIR નોંધાઈ છે, જ્યારે સમગ્ર દેશમાં કુલ 80થી વધુ ગુના દાખલ કરીને 200થી વધુ દલાલો અને કટ્ટરપંથીઓની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ એજન્સીઓના પર્દાફાશ મુજબ, શહઝાદ ભટ્ટીનું નેટવર્ક હવે કેવળ સામાન્ય ગુનાખોરી સુધી સીમિત નથી રહ્યું, પરંતુ તે ભારત વિરૂદ્ધ છૂપા યુદ્ધ (Proxy War)નું સાધન બની ચૂક્યું છે. આ નેટવર્ક દ્વારા દેશના સંવેદનશીલ સ્થળો જેવા કે રેલવે ટ્રેક અને સિગ્નલ બોક્સને વિસ્ફોટકોથી ઉડાવવા, રાજકીય નેતાઓની ટાર્ગેટેડ કિલિંગ કરવી અને લશ્કરી થાણાઓ બહાર ચીની બનાવટના CCTV કેમેરા ગોઠવી પાકિસ્તાનમાં લાઇવ સ્ટ્રીમિંગ પહોંચાડવા જેવા ભયાનક ષડયંત્રો રચવામાં આવ્યા હતા. મેહમાનથી માંડીને વિવિધ જિલ્લાઓમાં પાડેલા દરોડા દરમિયાન આબિદ જટ્ટ, હમ્મદ મેમણ, જાવેદ પાકિસ્તાની અને રાણા હુસૈન જેવા પાકિસ્તાની હેન્ડલરોના નામો સામે આવ્યા છે, જેઓ આર્થિક રીતે નબળા અને બેરોજગાર યુવાનોનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરી તેમને બ્રેઇનવોશ કરતા હતા.
ભારત સરકારની આતંકવાદ સામેની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ આંતરરાજ્ય સંયુક્ત ઓપરેશન ચલાવીને દેશભરમાંથી પાકિસ્તાની ઓર્ડનન્સ ફેક્ટરીના માર્કિંગવાળા ગ્રેનેડ, IED, 9mm પિસ્તોલો, જીવતા કારતૂસ અને સ્ટીકી બોમ્બ જપ્ત કરાયા છે. યુપી એટીએસ દ્વારા જારી સતત કાર્યવાહીમાં 175થી વધુ શંકાસ્પદોની ઘનઘોર પૂછપરછ ચાલુ છે અને 62થી વધુ લોકો સામે નિવારક કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા ભટ્ટીને વિધિવત આતંકવાદી જાહેર કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની સામે રેડ કોર્નર નોટિસ અને પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે, જેથી સરહદ પારથી ચાલતા આ ડીજિટલ આતંકનો સંપૂર્ણ અંત આણી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
