<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ડેથ ટ્રેપ બની સોનાની ખાણ: મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં ધરાશાયી થતાં 100થી વધુ કામદારોના કરૂણ મોત

બંગુઈથી પશ્ચિમમાં આવેલી અબ્બા ક્ષેત્રની ગેરકાયદેસર સોનાની ખાણમાં સુરક્ષા સાધનોના અભાવે ટનલ અચાનક ધસી પડી : કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા વચ્ચે હાથ વડે બચાવ કામગીરી ચાલુ

બંગુઈ: મધ્ય આફ્રિકન રિપબ્લિકના અબ્બા વિસ્તારમાં આવેલી એક સોનાની ખાણ મંગળવારે અચાનક ધસી પડતાં મોટો ભયાનક અકસ્માત સર્જાયો છે. આજીવિકા મેળવવાની આશામાં ખાણમાં ઉતરેલા 100થી વધુ કમનસીબ કામદારો માટી અને કાટમાળ નીચે દટાતાં કરૂણ મોતને ભેટ્યા છે. શરૂઆતમાં મૃત્યુઆંક 30 જેટલો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ બચાવ કાર્ય આગળ વધ્યું તેમ તેમ મૃતદેહો મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો અને આંકડો 100ને વટાવી ગયો હતો. આ ઘટનાએ આફ્રિકી દેશોમાં ચાલતા અસુરક્ષિત ખાણકામની કડવી વાસ્તવિકતા ફરી એકવાર ઉઘાડી પાડી છે.

ઘટનાસ્થળે આધુનિક મશીનરી કે જેસીબી જેવા સાધનોનો ભારે અભાવ હોવાના કારણે બચાવ ટીમો અને સ્થાનિક ગ્રામજનો પોતાના ખુલ્લા હાથે જ કાટમાળ અને ભીની માટી હટાવવા મજબૂર બન્યા છે. દુર્ગમ વિસ્તાર હોવાના કારણે રાહત ટીમ માટે સમયસર પહોંચવું મુશ્કેલ બન્યું હતું. જેમ જેમ કલાકો વીતી રહ્યા છે તેમ કાટમાળ નીચે ફસાયેલા લોકોને જીવિત બહાર કાઢવાની આશાઓ ધૂંધળી થઈ રહી છે. ગંભીર સ્થિતિને જોતાં સ્થાનિક રેડ ક્રોસે આશંકા વ્યક્ત કરી છે કે હજુ પણ ઘણા કામદારો ગુમ છે, જેથી મૃત્યુઆંક વધુ વધી શકે છે.

મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં કોઈપણ જાતના સલામતીના નિયમો વગર ચાલતી આવી નાની અને ગેરકાયદેસર ખાણો હજારો લોકો માટે કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. ટનલને મજબૂત કરવા માટે જરૂરી સપોર્ટ કે બીમ વગર જ કામદારો સાદા સાધનોથી કલાકો સુધી ઊંડે સુધી ખોદકામ કરતા હોય છે, જેના કારણે ચોમાસા કે ભેજવાળા વાતાવરણમાં આવી જમીન અચાનક ધસી પડે છે. આ કરૂણાંતિકા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સુરક્ષા વિના ચાલતા આવા અનધિકૃત ખાણકામ પર રોક લગાવવા અને કડક નીતિઓ અમલી બનાવવા માટે ભારે માંગ ઉઠી છે.

(6:50 PM IST)