<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

પાકિસ્તાનમાં અસીમ મુનીરનું પ્રમોશન: પરમાણુ કમાન્ડ કંટ્રોલ પર પકડ મજબૂત : પણ બટન પીએમના હાથમાં

ફેડરલ કેબિનેટ દ્વારા 'ડિફેન્સ ફોર્સિસ એક્ટ 2026' ને મંજૂરી મળતાં ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) તરીકે અસીમ મુનીરની તાકાતમાં મોટો વધારો થશે : પરમાણુ સંપત્તિ અને સૈન્ય નિર્ણયો પર લશ્કરનો એકહથ્થુ પ્રભાવ વગડાશે

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી ઇતિહાસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં આર્મી ચીફ અને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ  જનરલ અસીમ મુનીર વધુ શક્તિશાળી બનવા જઈ રહ્યા છે. પાકિસ્તાની ફેડરલ કેબિનેટે 'ડિફેન્સ ફોર્સિસ એક્ટ 2026' અને 'નેશનલ કમાન્ડ ઓથોરિટી  એક્ટ 2010' માં સુધારાના ડ્રાફ્ટને લીલી ઝંડી આપી દીધી છે. સંસદમાંથી આ બિલ પસાર થતાં જ દેશના સૈન્ય કમાન્ડ માળખામાં મોટા ફેરફારો થશે, જેનાથી ત્રણેય પાંખો (સેના, નૌકાદળ અને વાયુસેના) પર અને દેશના પરમાણુ સંચાલન પર અસીમ મુનીરનો સીધો કાયદાકીય પ્રભાવ પ્રસ્થાપિત થઈ જશે.

પાકિસ્તાનમાં 27મા બંધારણીય સુધારા બાદ 'ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી' (CJCSC) નું પદ નાબૂદ કરીને તમામ સત્તાઓ CDFના નેતૃત્વ હેઠળ કેન્દ્રિત કરવામાં આવી છે. નવો કાયદો પાકિસ્તાનના પરમાણુ આર્સેનલના ઓપરેશનલ એકીકરણ અને સંયુક્ત લશ્કરી આયોજનમાં CDFની ભૂમિકાને બંધારણીય કાનૂની માળખું પૂરું પાડે છે. જોકે, પરમાણુ હુમલાનો અંતિમ આદેશ આપવાની સત્તા એટલે કે 'ન્યુક્લિયર બટન' હજુ પણ રાષ્ટ્રીય કમાન્ડ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે દેશના વડા પ્રધાન પાસે જ રહેશે, પરંતુ સૈન્ય સ્તરે તમામ મહત્વપૂર્ણ દોરીસંચાર મુનીરના હાથમાં રહેશે.

આ મજબૂત પકડનું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાનના પરમાણુ અને વ્યૂહાત્મક દળોના ઓપરેશનલ કમાન્ડર એટલે કે 'કમાન્ડર નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડ' (CNSC) ની નિમણૂક કે મુદત વધારા માટે હવે CDF ની ભલામણ અનિવાર્ય રહેશે. જુલાઈ 2026 માં પ્રથમ CNSC તરીકે નિમાયેલા જનરલ અમીર રઝા પણ CDF ની ભલામણ હેઠળ જ કાર્યરત છે. આમ, ભલે રાજકીય ચહેરા તરીકે વડાપ્રધાન કાગળ પર પરમાણુ નીતિના સર્વોચ્ચ વડા દેખાય, પરંતુ કમાન્ડ ચિહ્નથી લઈને વ્યૂહાત્મક નિર્ણયો સુધી અસીમ મુનીર પાકિસ્તાન સત્તાના સૌથી શક્તિશાળી કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા છે.

(6:50 PM IST)