<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ગલ્ફ દેશોમાં ભારતીયોનો દબદબો : પાકિસ્તાનીઓ ફેંકાયા હાંસિયામાં: UAE એરપોર્ટ પર પાક. સંસદના પૂર્વ સ્પીકરનું ભયાનક અપમાન!

સાઉદીમાં ભિક્ષાવૃત્તિ બાદ યુએઈમાં ફ્લાઇટ રદ થતાં ભારતીયોને ફાઇવ સ્ટાર હોટલ અપાઈ : જ્યારે પાકિસ્તાની નાગરિકોને એરપોર્ટ પરથી તારવીને બહારનો રસ્તો બતાવી દેવાયો

ઇસ્લામાબાદ :  મિડલ ઈસ્ટ અને ગલ્ફ દેશોમાં ભારતના વધી રહેલા આંતરરાષ્ટ્રીય કદ અને પાકિસ્તાનની છીનવાઈ રહેલી શાખનો એક કરુણ અને પર્દાફાશ કરતો કિસ્સો સામે આવ્યો છે. યુનાઇટેડ આરબ અમીરાત (UAE)ના એરપોર્ટ પર અચાનક ફ્લાઇટ્સ રદ થયા બાદ એરલાઇન્સ અને હોટલ તંત્ર દ્વારા ખુલ્લેઆમ જાહેરાત કરવામાં આવી હતી કે કેવળ ભારતીય અને અમેરિકન પાસપોર્ટ ધારકોને જ વિનામૂલ્યે હોટલમાં રોકાણ અને માનભેર સુવિધાઓ આપવામાં આવશે. આ જાહેરાતથી એરપોર્ટ પર જ રઝળાઈ પડેલા પાકિસ્તાની મુસાફરોમાં ભારે હોબાળો મચી ગયો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ અપમાનજનક ભેદભાવનો ભોગ ખુદ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના ભૂતપૂર્વ સ્પીકર અને વરિષ્ઠ સાંસદ અસદ કૈસર બન્યા હતા, જેમણે પાકિસ્તાની સંસદમાં ઊભા રહીને પોતાની આ કડવી આપવીતી રજૂ કરતા દેશની કથળતી આંતરરાષ્ટ્રીય છબી પર ભારે શોક વ્યક્ત કર્યો હતો.

અસદ કૈસરે પાકિસ્તાની સંસદમાં દિલનો અવાજ રજૂ કરતા જણાવ્યું કે, જેને પાકિસ્તાન પોતાનો "મુસ્લિમ ભાઈબંધ દેશ" ગણાવે છે તે યુએઈમાં જ પાકિસ્તાનીઓ સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. ફ્લાઇટ રદ થયા બાદ તમામ દેશોના મુસાફરોને હોટલ વાઉચર આપવામાં આવ્યા હતા, પરંતુ પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા નાગરિકોને સીધા જ નકારી દેવામાં આવ્યા હતા અને એરપોર્ટ પર રઝળતા છોડી દેવાયા હતા. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે વૈશ્વિક મંચ પર ભારતીય નાગરિકોની વ્યાવસાયિકતા, ઈમાનદારી અને દેશની મજબૂત કૂટનીતિના કારણે ભારતીય પાસપોર્ટની કિંમત આસમાને પહોંચી છે, જ્યારે તેનાથી વિપરીત પાકિસ્તાનની કંગાળ આર્થિક સ્થિતિ અને તેના નાગરિકો દ્વારા અવારનવાર કરવામાં આવતી શંકાસ્પદ પ્રવૃત્તિઓએ તેનો ગ્રેડ સાવ તળિયે બેસાડી દીધો છે.

આ અગાઉ સાઉદી અરેબિયાએ પણ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિમાં મુક્યુ હતું. સાઉદી સરકારે ખુલાસો કર્યો હતો કે હજ અને ઉમરાહના વિઝા લઈને આવતા હજારો પાકિસ્તાનીઓ સાઉદીના રસ્તાઓ પર સંગઠિત ભિક્ષાવૃત્તિ અને ચોરીના ગુનાઓમાં લિપ્ત મળી આવ્યા હતા. ત્યારબાદ સાઉદી અરેબિયાએ હજારો પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરીને જેલમાં ધકેલી દીધા હતા અને વિઝા નિયમો અત્યંત કડક બનાવી દીધા હતા. એક તરફ ભારતની ટેકનોલોજીકલ શક્તિ અને ઈમાનદાર માનવબળના કારણે ગલ્ફ દેશો ભારતીયોનું લાલ જાજમ પાથરીને સ્વાગત કરે છે, તો બીજી તરફ ભીખ માંગવાની અને ગુનાખોરીની માનસિકતાના કારણે ખાડી દેશો પાકિસ્તાનીઓથી મોં ફેરવી રહ્યા છે, જે ઇસ્લામાબાદ માટે ખૂબ જ શરમજનક સ્થિતિ છે.

(7:09 PM IST)