હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસ કાર્યસમિતિ દ્વારા ‘વંદે માતરમ્’ના સંપૂર્ણ ગાનને બદલે માત્ર બે અંતરા ગાવવાનો નિર્ણય રાષ્ટ્રવિરોધી છે અને સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાનો ખુલ્લો અનાદર : અમિતભાઇ શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના ‘વંદે માતરમ્’ના માત્ર બે જ અંતરા ગાવવાના કોંગ્રેસના નિર્ણય સામે આકરા પ્રહાર:1937માં કોંગ્રેસે કેટલાક વર્ગોને ખુશ કરવા માટે ‘વંદે માતરમ્’ને બે ભાગમાં વહેંચી દીધું હતું, જેનાથી દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતને બળ મળ્યું અને અંતે દેશના ભાગલાનો માર્ગ મોકળો થયો:વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ પર મોદી સરકારે આ ઐતિહાસિક ભૂલને સુધારી અને સમગ્ર ગીતને કાનૂની આધાર આપ્યો, પરંતુ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ફરી એકવાર તુષ્ટિકરણના માર્ગે ચાલી રહી છે

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ કાર્યસમિતિએ ‘વંદે માતરમ્’ના માત્ર બે જ અંતરા ગાવવાનો નિર્ણય લઈને એકવાર ફરી તુષ્ટિકરણની રાજનીતિનું પુનરાવર્તન કર્યું છે. શાહે જણાવ્યું કે 1937માં કોંગ્રેસ દ્વારા લેવાયેલો આ જ નિર્ણય દેશના ભાગલાનો પાયો બન્યો હતો. ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે એ નિર્ણય લઈને આ ઐતિહાસિક ભૂલને સુધારી છે કે સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ્’નું સંપૂર્ણ ગીત ગાવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કોંગ્રેસના આ નિર્ણયને તુષ્ટિકરણની રાજનીતિ અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તથા સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવાનું કૃત્ય ગણાવતા દેશવાસીઓને આની સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી.
શાહે કહ્યું કે, કોંગ્રેસ કાર્યસમિતિએ ગઈકાલે એક આંચકાજનક અને રાષ્ટ્રવિરોધી નિર્ણય લીધો. કોંગ્રેસે 1937માં પોતાની પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણયનું અનુસરણ કરતા મહાન ગીત ‘વંદે માતરમ્’ના માત્ર બે જ અંતરા ગાવવાનો નિર્ણય કર્યો છે. શાહે કહ્યું કે આખા દેશે એ યાદ રાખવું જોઈએ કે 1937માં કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમ તુષ્ટિકરણ માટે ‘વંદે માતરમ્’ને બે ભાગમાં વહેંચી દીધું હતું અને દેશના ભાગલાનો પાયો નાખ્યો હતો. અહીંથી જ દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતને બળ મળ્યું, જેણે અંતે દેશના ભાગલા અને પાકિસ્તાનના જન્મનો માર્ગ પ્રશસ્ત કર્યો. શાહે જણાવ્યું કે આજે, ‘વંદે માતરમ્’ની રચનાના 150મા વર્ષમાં મોદી સરકારે બંકિમ બાબુની આ અમર રચનાને પૂર્ણ રૂપે ગાઈને રાષ્ટ્રીય એકતાને ફરીથી મજબૂત કરવાનો નિર્ણય લઈને તે ઐતિહાસિક ભૂલને સુધારી છે. સરકારે એ પણ નિર્ણય લીધો છે કે તમામ સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ્’નું સંપૂર્ણ ગીત ગાવામાં આવશે અને આ નિર્ણયને કાનૂની માન્યતા પણ આપવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે ગઈકાલે આ નિર્ણયની અવગણના કરવાનું નક્કી કર્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસનો આ નિર્ણય તેની ખુલ્લી તુષ્ટિકરણની નીતિની પુષ્ટિ કરે છે. પોતાના વોટ બેંકને ખુશ કરવા માટે કોંગ્રેસે ન માત્ર દિવંગત બંકિમ બાબુની અમર રચનાનું અપમાન કર્યું છે, પરંતુ તે લાખો શહીદોનું પણ અપમાન કર્યું છે જેમણે ‘વંદે માતરમ્’નો નાદોચ્ચાર કરતા દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું અને વર્ષો સુધી જેલમાં યાતનાઓ સહન કરી. કોંગ્રેસ પાર્ટી આજે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાને ફગાવીને પોતાના જ 1937ના પાર્ટી પ્રસ્તાવનું અનુસરણ કરી રહી છે. એ અત્યંત આશ્ચર્યજનક છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી એકવાર ફરી દેશમાં તુષ્ટિકરણની રાજનીતિને પૂરી તાકાતથી આગળ વધારી રહી છે. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે તેઓ યાદ રાખે કે દેશે એકવાર ‘વંદે માતરમ્’ને બે ભાગમાં વહેંચવાની ભૂલ કરી હતી અને તે ભૂલનું ગંભીર પરિણામ દેશે ભોગવવું પડ્યું હતું.
શાહે કહ્યું કે, હવે દેશવાસીઓએ એકજૂટ થઈને કોંગ્રેસ પાર્ટીના આ નિર્ણય સામે અવાજ ઉઠાવવો જોઈએ અને એ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે દેશમાં હવે તુષ્ટિકરણની રાજનીતિ સહન કરવામાં નહીં આવે. આ એક સ્વતંત્ર દેશ છે. શાહે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આઝાદીના 80 વર્ષ પછી 1937માં કોંગ્રેસ દ્વારા લેવાયેલા નિર્ણયને સુધારવાનું કામ કર્યું છે. દેશની જનતા હવે આ સુધારાના વિરોધને બિલકુલ સહન નહીં કરે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીના આ નિર્ણયની સખત નિંદા કરે છે અને જનતા વચ્ચે તથા સંસદમાં પણ આનો જોરદાર વિરોધ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
