હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
CBSE ની ૩-ભાષા નીતિ પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ: "બાળકો પર ભણતરનું દબાણ ન બનાવો, નીતિ પર પુનર્વિચાર કરો"
CJI સૂર્યકાંતની બેન્ચે ભાષા વિકલ્પો માટે પૂરતા શિક્ષકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા આપ્યો નિર્દેશ; ૧ જુલાઈથી ધોરણ ૯ માટે ફરજિયાત કરાયેલી નીતિના અમલીકરણ પર કોર્ટે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ ૯ના વિદ્યાર્થીઓ માટે અમલમાં મુકાયેલી '૩-ભાષા નીતિ' (Three-Language Policy) મામલે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે સીબીએસઈને આ નીતિના અમલીકરણનું પુનઃ મૂલ્યાંકન કરવા આદેશ આપ્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ નીતિના કારણે વિદ્યાર્થીઓ પર કોઈ પણ પ્રકારનું માનસિક કે શૈક્ષણિક દબાણ આવવું જોઈએ નહીં. કોર્ટે નીતિને સુવ્યવસ્થિત કરવા અને તબક્કાવાર રીતે રજૂ કરવા પર ભાર મૂક્યો છે.
મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, ભાષાઓ શીખવવાની નીતિમાં કંઈ ખોટું નથી અને તે સ્વાગતયોગ્ય છે, પરંતુ તેને જે રીતે ઉતાવળે રજૂ કરવામાં આવી રહી છે તેનાથી બાળકો અને શાળાઓ માટે અવરોધો ઊભા થઈ રહ્યા છે. કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને સૂચન કર્યું હતું કે ભાષા પસંદગી માટે પહેલા પૂરતા પ્રમાણમાં યોગ્ય શિક્ષકો અને માનવ સંસાધનોનું માળખું તૈયાર કરવું જોઈએ. ઉપરાંત, ધોરણ ૬ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે રાહત આપીને આ નીતિ આગામી વર્ષથી તબક્કાવાર રજૂ કરવા વિચારવું જોઈએ.
સીબીએસઈની નવી નીતિ અનુસાર, ૧ જુલાઈ ૨૦૨૬થી ધોરણ ૯ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી જરૂરી છે. જાકે, અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આંદ ગ્રોવરે દલીલ કરી હતી કે શાળાઓ પાસે પૂરતા શિક્ષકો નથી. આ અંગે કોર્ટે ટાંક્યું હતું કે જો શાળાઓ અને બોર્ડ નવી ભાષાઓ રજૂ કરતા હોય, તો શિક્ષકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી તેમની પ્રાથમિક ફરજ છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ નીતિમાં વપરાયેલા "મૂળ" (Native) શબ્દ સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે તેનો વસાહતી અર્થ નીકળે છે, તેથી તેની જગ્યાએ "સ્વદેશી" (Indigenous) શબ્દ વાપરવો જોઈએ. વિદ્યાર્થીઓનું દબાણ ઘટાડવા માટે ધોરણ ૧૦ના સ્તરે ત્રીજી ભાષા માટે કોઈ બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ મામલે હવે પછીની વધુ સુનાવણી ૧૦ દિવસ બાદ હાથ ધરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
