<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ગણેશોત્સવ પૂર્વે મુંબઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય: કુદરતી જળાશયોમાં ૬ ફૂટથી ઊંચી PoP મૂર્તિઓના વિસર્જનની મંજૂરી આપતો આદેશ ચાલુ રહેશે

એડવોકેટ જનરલ મિલિંદ સાઠેની સ્પષ્ટતા માગતી અરજી પર બેન્ચની પુષ્ટિ; અંતિમ ચુકાદો અનામત હોવાથી ૨૪ જુલાઈનો આદેશ જ રહેશે અમલી

મુંબઈ : આગામી ગણેશોત્સવ પૂર્વે મુંબઈ અને મહારાષ્ટ્રના ગણેશ મંડળો માટે બોમ્બે હાઈકોર્ટ તરફથી મહત્વના સમાચાર આવ્યા છે. કુદરતી જળાશયોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) થી બનાવાયેલી છ ફૂટથી ઊંચી મૂર્તિઓના વિસર્જન મામલે હાઈકોર્ટે ગુરુવારે મોટો ચુકાદો આપતાં સ્પષ્ટતા કરી છે કે આ મુદ્દે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ૨૪ જુલાઈનો વચગાળાનો આદેશ જ અમલમાં રહેશે. ન્યાયાધીશ અજય ગડકરી અને કમલ ખાતાની બેન્ચે આ સ્પષ્ટતા જારી કરીને મૂર્તિકારો અને મોટા ગણેશ મંડળોને મોટી રાહત આપી છે.

 

આ સમગ્ર મામલે એડવોકેટ જનરલ મિલિંદ સાઠે દ્વારા કોર્ટ પાસે અગાઉના વિવિધ આદેશો વચ્ચે ઊભી થયેલી દ્વિધા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. હાઈકોર્ટે ૧૪ ઓગસ્ટના રોજ PoP મૂર્તિઓના ઉત્પાદન, વેચાણ અને વિસર્જન સામે થયેલી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. તે સમયે કોર્ટે જણાવ્યું હતું કે ૯ જૂનનો આદેશ અંતિમ ચુકાદા સુધી ચાલુ રહેશે. જોકે ૯ જૂનના આદેશમાં પરવાનગી વિના કુદરતી જળાશયોમાં વિસર્જન પર રોક હતી, જ્યારે ૨૪ જુલાઈના આદેશમાં ચોક્કસ શરતો સાથે ૬ ફૂટથી ઊંચી મૂર્તિઓના વિસર્જનની મંજૂરી આપવામાં આવી હતી. આ દ્વિધા દૂર કરતાં બેન્ચે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે ૨૪ જુલાઈની મંજૂરી જ યથાવત રહેશે.

 

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ અગાઉ પાંચ વર્ષ સુધી PoP મૂર્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધની હિમાયત કર્યા બાદ કોર્ટમાં પોતાનું વલણ બદલતા જણાવ્યું હતું કે તેમની માર્ગદર્શિકા માત્ર "સલાહકાર" (Advisory) સ્વરૂપની છે. આ સ્પષ્ટતા બાદ હાઈકોર્ટે PoP મૂર્તિઓના ઉત્પાદન અને વેચાણ પરથી નિયંત્રણો હટાવ્યા હતા.

 

મહારાષ્ટ્ર સરકારની વિસર્જન નીતિ અનુસાર, ૬ ફૂટથી નાની મૂર્તિઓનું કૃત્રિમ તળાવો (Artificial Ponds) માં વિસર્જન કરવું ફરજિયાત છે, જ્યારે ૬ ફૂટથી મોટી મૂર્તિઓને જ કુદરતી જળાશયો કે સમુદ્રમાં વિસર્જિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા આ જ વ્યવસ્થા ચાલુ રાખવા વિનંતી કરાઈ હતી, જેના પર હાઈકોર્ટે પોતાનો અંતિમ નિર્ણય અનામત રાખ્યો છે.

(7:38 PM IST)