News of Thursday, 20th August 2026
બાંગ્લાદેશમાં ૩૫ વર્ષ પછી યોજાઈ ઐતિહાસિક પ્રમુખપદની ચૂંટણી: BNP ના વરિષ્ઠ નેતા મિર્ઝા ફખરુલ બન્યા દેશના નવા રાષ્ટ્રપતિ
સંસદમાં યોજાયેલા મતદાનમાં વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર ઓલી અહેમદને ૨૫૫ વિરુદ્ધ ૮૮ મતોથી હરાવ્યા; રાજીનામું આપનારા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનું સ્થાન લેશે

ઢાકા : બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં એક મોટો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર દેશના ૨૩મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. સંસદ ભવન (જાતીય સંસદ) ખાતે હાથ ધરવામાં આવેલી મતદાન પ્રક્રિયામાં મિર્ઝા ફખરુલને ૨૫૫ સાંસદોનું સમર્થન મળ્યું હતું, જ્યારે તેમની સામે જમાત-એ-ઈસ્લામી અને ૧૧ પક્ષોના ગઠબંધન દ્વારા સમર્થિત ઉમેદવાર ઓલી અહેમદને ૮૮ મત મળ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા આ જીતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ ચૂંટણી બાંગ્લાદેશી રાજકારણ માટે અત્યંત ખાસ અને બહુચર્ચિત બની રહી છે, કારણ કે વર્ષ ૧૯૯૧ પછી એટલે કે લગભગ ૩૫ વર્ષ બાદ દેશમાં રાષ્ટ્રપતિ પદ માટે એકથી વધુ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા (Contested Election) જોવા મળી છે. સામાન્ય રીતે બાંગ્લાદેશમાં સત્તાધારી પક્ષના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવતા હોય છે, પરંતુ આ વખતે વિપક્ષી ગઠબંધને પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારીને ચૂંટણીને રસપ્રદ બનાવી હતી. રાષ્ટ્રપતિ પદના નામાંકન બાદ મિર્ઝા ફખરુલે BNP ના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું હતું.
આપને જણાવી દઈએ કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને ગંભીર સ્વાસ્થ્ય કારણોસર પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું હતું. બંધારણીય જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિ પદ ખાલી પડ્યાના ૯૦ દિવસની અંદર નવી ચૂંટણી યોજવી અનિવાર્ય હોવાથી સંસદમાં આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિનું પદ મુખ્યત્વે બંધારણીય અને ઔપચારિક મૂર્ધન્ય પદ છે, પરંતુ દેશમાં રાજકીય સ્થિરતા અને બંધારણના રક્ષણ માટે તે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
