<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

માત્ર ૬.૮ CGPA છતાં માઈક્રોસોફ્ટમાં રૂ. ૩૨ લાખનું પેકેજ: નોઈડાના એન્જિનિયર આદિત્ય જામવાલે બેકબેન્ચર્સ માટે નવી આશા જગાવી

બેચ ટોપરને મળ્યું રૂ. ૬ લાખનું પેકેજ જ્યારે આદિત્યને રૂ. ૩૨ લાખથી વધુનો પગાર; માત્ર ડિગ્રીના માર્ક્સ નહીં, પણ 'સ્કિલ' અને 'પ્રેક્ટિકલ નોલેજ'થી મેળવી અદભુત સફળતા

નોઈડા : સફળ કારકિર્દી માટે શું માત્ર કોલેજના ઊંચા માર્ક્સ કે ટોપ CGPA જ જરૂરી છે? આ પ્રશ્નનો સણસણતો જવાબ નોઈડાની જેપી ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજી (JIIT) ના પૂર્વ વિદ્યાર્થી આદિત્ય જામવાલે પોતાના ટેલેન્ટથી આપ્યો છે. માત્ર ૬.૮ CGPA લાવનાર આ વિદ્યાર્થીએ હૈદરાબાદ સ્થિત માઈક્રોસોફ્ટ (Microsoft) કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર (SWE) તરીકે રૂ. ૩૨ લાખથી વધુના વાર્ષિક પેકેજ સાથે નોકરી મેળવીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલી એક પોસ્ટ અનુસાર, આદિત્યની જ બેચના ૯.૨ CGPA ધરાવતા ક્લાસ ટોપરને એક સ્ટાર્ટઅપ કંપનીમાં રૂ. ૬ લાખના પેકેજ પર કામ કરવું પડી રહ્યું છે, જ્યારે આદિત્ય પોતાના કૌશલ્યના દમ પર તેનાથી ૨૬ લાખ રૂપિયા વધુ કમાઈ રહ્યો છે. ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'ના પ્રખ્યાત સંવાદ "કાબિલ બનો, કામયાબી ઝખ મારી કે પીછે આયેગી" ને આદિત્યએ વાસ્તવિક જીવનમાં સાચો સાબિત કરી બતાવ્યો છે.

 

આદિત્યએ કોલેજકાળ દરમિયાન પુસ્તકિયા જ્ઞાન અને માર્ક્સ પાછળ ભાગવાને બદલે પોતાની ટેકનિકલ કુશળતા મજબૂત કરવા પર પૂરતું ધ્યાન આપ્યું હતું. તેણે લગભગ પચાસ જેટલા ડેટા સ્ટ્રક્ચર્સ અને અલ્ગોરિધમ (DSA) પેટર્ન શીખીને ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા, જે તેણે ઇન્ટરવ્યુ દરમિયાન સફળતાપૂર્વક રજૂ કર્યા. આ સિવાય લો-લેવલ સિસ્ટમ ડિઝાઇન, ઓપરેટિંગ સિસ્ટમ્સ, ડેટાબેઝ અને જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (GenAI) ના પ્રેક્ટિકલ કન્સેપ્ટ પરની તેની પકડ તેને આટલું મોટું પ્લેસમેન્ટ અપાવવામાં મદદરૂપ સાબિત થઈ.

 

આદિત્ય જામવાલની આ પ્રેરણાદાયી વાર્તા દેશના લાખો વિદ્યાર્થીઓને શીખવે છે કે ઉચ્ચ શિક્ષણમાં ગુણનું ચોક્કસ મહત્વ છે, પરંતુ વાસ્તવિક કોર્પોરેટ જગતમાં પ્રોબ્લેમ-સોલ્વિંગ સ્કિલ અને વ્યવહારિક જ્ઞાન જ શ્રેષ્ઠ કારકિર્દીનો માર્ગ પ્રશસ્ત કરે છે.

(8:02 PM IST)