<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

મહારાષ્ટ્ર FDA ની ગ્રાહકોને કડક ચેતવણી: છૂટક અને ખુલ્લું ખાદ્ય તેલ ન ખરીદો; ભેળસેળ કરનારાઓ સામે આજીવન કેદ સુધીની સજા

તપાસમાં રૂ. ૫.૩૧ કરોડનો ૩.૨૦ લાખ કિલો અસુરક્ષિત તેલનો જથ્થો જપ્ત: વારંવાર ગરમ કરેલું તેલ કેન્સર, લીવર અને કિડનીના ગંભીર રોગોનું કારણ બની શકે છે

મુંબઈ : ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત પાલન આદેશ જારી કર્યો છે. મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંધેએ નાગરિકોને ખુલ્લું, છૂટક કે સીલ કર્યા વગરનું ખાદ્ય તેલ ન ખરીદવા માટે કડક વિનંતી અને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે ખુલ્લા તેલમાં બેચ નંબર કે ઉત્પાદક સ્ત્રોતની માહિતી હોતી નથી, જેના કારણે ભેળસેળ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવી મુશ્કેલ બને છે.

 

એફડીએ દ્વારા હાથ ધરાયેલી વ્યાપક તપાસ ઝુંબેશ દરમિયાન રાજ્યભરમાંથી ૧,૨૪૭ નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧,૧૪૨ નમૂનાના પરીક્ષણ દરમિયાન ૭૭ નમૂના હલકી ગુણવત્તાના અને ૧૫ કેસ ખોટા બ્રાન્ડિંગના મળી આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા રૂ. ૫.૩૧ કરોડની કિંમતનો ૩.૨૦ લાખ કિલો અસુરક્ષિત તેલનો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં કાટ લાગેલા ટીનનો ઉપયોગ, ઝેરી કેમિકલ વાળા ટેન્કરોમાં તેલનું પરિવહન અને સરસવના તેલમાં અન્ય સસ્તા તેલની ગેરકાયદે ભેળસેળ જેવા ૧૨થી વધુ ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યા છે.

 

તેલના વારંવાર ઉપયોગ અને ગરમ કરવાની પ્રક્રિયા સામે ચેતવણી આપતા કમિશનરે જણાવ્યું હતું કે, એક જ તેલને વારંવાર ઉકાળવાથી તેમાં એલ્ડીહાઇડ્સ અને ટ્રાન્સ-ફેટી એસિડ્સ જેવા અત્યંત ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે. આ હાનિકારક સંયોજનો શરીરના લીવર અને કિડનીને નુકસાન પહોંચાડે છે તેમજ કેન્સર જેવા પ્રાણઘાતક રોગોનું જોખમ ઊભું કરે છે.

 

ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ અને લાઇસન્સ વગર કામ કરતા વેપારીઓ સામે રૂ. ૧૦ લાખ સુધીનો દંડ તેમજ સાત વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સખત જેલસજાની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકોને માત્ર અધિકૃત, સીલબંધ અને લેબલ પર ઉત્પાદન તારીખ ધરાવતું જ તેલ ખરીદવાની સલાહ આપવામાં આવી છે.

(8:06 PM IST)