<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ખારઘર ફાઉન્ડેશનની નવતર અને હૃદયસ્પર્શી પહેલ: તૂટેલી ધાર્મિક મૂર્તિઓ અને પૂજા સામગ્રીનું વિધિવત સન્માન સાથે કરાશે રિસાયક્લિંગ

"શ્રદ્ધાનો આદર, પર્યાવરણનું રક્ષણ" સૂત્ર સાથે સંપૂર્ણમ સેવા ફાઉન્ડેશન દ્વારા સ્પેશિયલ સંગ્રહ ઝુંબેશ; જળાશયો અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવાનો અનોખો પ્રયાસ

નવી મુંબઈ : આપણા ઘરોમાં ઘણીવાર ભગવાનની ખંડિત કે તૂટેલી મૂર્તિઓ, જૂની તસવીરો અને પૂજા સામગ્રી પડી રહેતી હોય છે, જેને નદી, તળાવ કે વૃક્ષો નીચે પધરાવતી વખતે ભક્તોના મનમાં ધાર્મિક લાગણી દુભાવાનો અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો ડર સતત રહે છે. આ સમસ્યાના કાયમી અને પર્યાવરણપ્રેમી ઉકેલ માટે નવી મુંબઈના સંપૂર્ણમ સેવા ફાઉન્ડેશન દ્વારા એક અનોખું અને પ્રશંસનીય સંગ્રહ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.

 

આ સંગ્રહ ઝુંબેશ આગામી ૬ સપ્ટેમ્બરના રોજ ખારઘરના સેક્ટર ૩૫G સ્થિત હાઈડ પાર્ક ખાતે સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્યા દરમિયાન યોજાશે. વર્ષ ૨૦૧૯ થી આ ક્ષેત્રે સક્રિયપણે કાર્યરત આ ફાઉન્ડેશન દ્વારા "શ્રદ્ધાનો આદર, પર્યાવરણનું રક્ષણ" વિષય હેઠળ ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ, ધાર્મિક ફોટોગ્રાફ્સ અને અન્ય પવિત્ર સામગ્રી એકત્રિત કરવામાં આવશે.

 

એકત્રિત કરાયેલી મૂર્તિઓ અને ધાર્મિક વસ્તુઓનું સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'ઉત્તર પૂજા' કરીને વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિથી પ્રદૂષણમુક્ત રિસાયક્લિંગ કરવામાં આવશે. મિશ્ર સામગ્રી માટે પ્રતિ કિલો રૂ. ૨૬૦ નો નજીવો ચાર્જ લેવામાં આવશે, જેમાં ટ્રાન્સપોર્ટેશન, ઉત્તર પૂજા અને રિસાયક્લિંગનો તમામ ખર્ચ શામેલ છે. આ વિશિષ્ટ પહેલ અંગે વધુ માહિતી મેળવવા માટે રહેવાસીઓ જ્યોતિ નાડકર્ણીનો ૯૬૧૯૯૮૯૭૩૦ અથવા ૮૮૫૦૩૨૮૨૨૫ નંબર પર સંપર્ક સાધી શકે છે.

 

(8:24 PM IST)