તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
બ્રિટિશ રાજપરિવારમાં મોટો ધડાકો: વર્ષોના વિવાદ અને કડવાશ બાદ બાળકો સાથે યુકે પાછા ફરશે પ્રિન્સ હેરી અને મેઘન માર્કલ
અમેરિકા છોડીને લંડન નજીક બિન-શાહી નિવાસસ્થાનમાં રહેશે દંપતી; પ્રિન્સ આર્ચી અને પ્રિન્સેસ લિલિબેટને બ્રિટિશ શાળામાં પ્રવેશ મળ્યો હોવાના અહેવાલ

લંડન : બ્રિટનના રાજપરિવાર સાથે વર્ષો જૂના મતભેદો અને વિવાદો વચ્ચે એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેઘન માર્કલ આ મહિનાના અંત સુધીમાં પોતાના બંને બાળકો—પ્રિન્સ આર્ચી અને પ્રિન્સેસ લિલિબેટ—સાથે કાયમી ધોરણે યુનાઇટેડ કિંગડમ (UK) પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. છ વર્ષ પહેલાં શાહી ફરજોમાંથી મુક્ત થઈને અમેરિકા સ્થળાંતરિત થયેલા આ દંપતીના અચાનક પરત ફરવાના નિર્ણયથી બ્રિટિશ મીડિયા અને રાજમહેલમાં ભારે ચર્ચા જાગી છે.
અહેવાલો મુજબ, ૪૧ વર્ષીય પ્રિન્સ હેરી અને મેઘન લંડનની બહાર એક ખાનગી, બિન-શાહી નિવાસસ્થાનમાં રહેશે. તેઓ રાજપરિવારના બિન-કાર્યકારી (Non-working royals) સભ્યો તરીકે જ પોતાનું જીવન વિતાવશે, એટલે કે તેમને કોઈ સત્તાવાર શાહી જવાબદારીઓ સોંપવામાં આવશે નહીં. સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રથી જ તેમણે પોતાના સાત વર્ષના પુત્ર આર્ચી અને પાંચ વર્ષની પુત્રી લિલિબેટનો પ્રવેશ બ્રિટનની એક શાળામાં કરાવી દીધો હોવાનું કહેવાય છે.
કિંગ ચાર્લ્સ III ને આ સમગ્ર નિર્ણય અંગે અગાઉથી જાણ કરી દેવામાં આવી છે. કેન્સરની સારવાર લઈ રહેલા કિંગ ચાર્લ્સ પોતાના પૌત્ર-પૌત્રીઓને મળવા અને પરિવારની નજીક રાખવા ઉત્સુક હોવાનું માનવામાં આવે છે. ભૂતકાળમાં સુરક્ષા ચિંતાઓ અને વિસ્ફોટક ઇન્ટરવ્યુને કારણે ઊભી થયેલી કડવાશને ભૂલીને પ્રિન્સ હેરીએ પણ તાજેતરમાં પોતાના પિતા અને પરિવાર સાથે સમાધાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, બકિંગહામ પેલેસે આ મામલે સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
