<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ઇમરાન ખાન પર સુપ્રીમ કોર્ટનો આદેશ: શાહબાઝ સરકાર ધર્મોસંકટમાં : સમીક્ષા અરજી ફગાવી દેવાતા પાકિસ્તાનમાં નવું રાજકીય ઘમાસાણ!

48 કલાકની સમયમર્યાદા વીતી જવા છતાં ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલ ન ખસેડાતા પીટીઆઈ હવે કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરવાની તૈયારીમાં : પાકિસ્તાનનું ન્યાયતંત્ર અને શાહબાઝ સરકાર સામસામે

ઇસ્લામાબાદ:  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) પ્રમુખ ઇમરાન ખાનને જેલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શાહબાઝ શરીફ સરકારની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે અદિયાલા જેલમાં બંધ 73 વર્ષીય ઇમરાન ખાનને આંખની સારવાર માટે ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં દાખલ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. જોકે, સરકારે આ આદેશને પડકારતા સમીક્ષા અરજી (Review Petition) દાખલ કરી હતી. પરંતુ ટેકનિકલ ખામીઓ અને દલીલોના અભાવે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ સરકારની સમીક્ષા અરજી ફગાવીને પરત કરી દીધી છે, જેના કારણે શાહબાઝ સરકાર માટે કાયદાકીય અને રાજકીય મોરચે મોટો ઝટકો સાબિત થયો છે.

ન્યાયાલય દ્વારા આપવામાં આવેલી 48 કલાકની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં, અદિયાલા જેલ પ્રશાસને ઇમરાન ખાનને હજુ સુધી હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા નથી. શાહબાઝ સરકારનો તર્ક છે કે ખાનગી હોસ્પિટલમાં કન્વિક્ટેડ કેદીને સારવાર આપવાથી જેલના નિયમોનો ભંગ થાય છે અને અન્ય કેદીઓ વચ્ચે ભેદભાવ ઉભો થાય છે. બીજી તરફ, પીટીઆઈ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે સરકાર અને સૈન્ય સંસ્થા ઇમરાન ખાનની લોકપ્રિયતાથી ડરી રહ્યા છે, કારણ કે જો તેઓ હોસ્પિટલ ખસેડાશે તો જનતાનો ટેકો અને રાજકીય માહોલ સરકાર વિરૂદ્ધ વધુ ઉગ્ર બની શકે છે. આ આદેશના અનાદર બદલ પીટીઆઈ હવે શુક્રવારે સરકાર સામે 'કોર્ટના તિરસ્કાર' નો કેસ દાખલ કરવા જઈ રહી છે.

પાકિસ્તાનનું રાજકારણ હાલ અત્યંત નાજુક મોડ પર આવી પહોંચ્યું છે. એક તરફ સરકારે ટેકનિકલ સુધારા કરીને ફરીથી સુપ્રીમ કોર્ટમાં નવી સમીક્ષા અરજી દાખલ કરવાની જાહેરાત કરી છે, બીજી તરફ સર્વોચ્ચ અદાલત પોતાની સત્તા અને આદેશનું પાલન કરાવવા માટે સરકાર સામે સખત વલણ અપનાવી શકે છે. જો સુપ્રીમ કોર્ટ પીટીઆઈની તિરસ્કાર અરજી સ્વીકારી લે છે, તો જેલ પ્રશાસન અને જવાબદાર સરકારી અધિકારીઓ પર કાયદાકીય ગાજ પડી શકે છે. ઇમરાન ખાનના સ્વાસ્થ્યનો આ મુદ્દો હવે માત્ર તબીબી બાબત નથી રહ્યો, પરંતુ પાકિસ્તાનના ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચેની આરપારની લડાઈ બની ગયો છે.

(10:22 PM IST)