હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું ગ્લોબલ વિઝન રજૂ કર્યું
ગુજરાત AI, વૈશ્વિક મૂડી અને અદ્યતન ટેકનોલોજીના વિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનવા સજ્જઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: વહીવટ,શિક્ષણ, આરોગ્ય અને કૃષિ સહિતના ક્ષેત્રોમાં AIના ઝડપી અમલીકરણ માટે ગુજરાત પ્રતિબદ્ધ: નાણાકીય શિસ્ત જાળવનારા રાજ્યોને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગના લાભ આપવા મુખ્યમંત્રીની વર્લ્ડ બેંકને અપીલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલના નવા કેન્દ્ર તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું વિઝન રજૂ કર્યું હતું.
તેમણે વર્લ્ડ બેંક સમક્ષ ગિફ્ટ સિટીની વિકાસગાથાની વિગતો આપી હતી.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર AIને અપનાવવા સજ્જ છે અને વહીવટ, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં તેનો ઝડપી અમલ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
વર્લ્ડ બેંકની બેઠકમાં AIના વિકાસલક્ષી ઉપયોગ અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, AI માત્ર ટેકનોલોજી નહીં, વિકાસને નવી ગતિ આપવાનું સાધન છે. ભારત જેવા દેશો માટે AIમાં વિકાસની ગતિને નવી ઊંચાઈએ લઈ જવાની વિશાળ સંભાવના છે.
ખાસ કરીને પ્રેડિક્ટિવ AI સહિતની ટેકનોલોજીનો ઉપયોગ વિકાસલક્ષી પરિણામો સુધારવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.
ગુજરાત આ સંભાવનાને વાસ્તવિક પરિણામોમાં પરિવર્તિત કરવા માટે AIને માત્ર IT ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન રાખતા સરકારી વહીવટથી લઈને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને જનસેવા સુધી તેનો વ્યાપ વધારવા માટે આગળ વધી રહ્યું છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાતની નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કરીને વર્લ્ડ બેંકના અધિકારીઓને રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે નાણાકીય શિસ્તને વિકાસ સાથે સાંકળીને આગળ વધવાની પરંપરા ઊભી કરી છે.
નાણાકીય શિસ્ત જાળવનારા રાજ્યોને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે ફાઇનાન્સિંગમાં વિશેષ લાભ આપવા અંગે વર્લ્ડ બેંક વિચાર કરી શકે, તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ વર્લ્ડ બેંક સાથે યોજાયેલી આ બેઠકમાં ગિફ્ટ સિટી મારફતે વૈશ્વિક મૂડીને ભારતમાં લાવવા માટેની ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી હોવાની જાણકારી આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને આગામી તબક્કામાં માત્ર ઇન્ટરનેશન ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર તરીકે જ નહિ, પરંતુ ફાઈનાન્સ, ટેકનોલૉજી, ફિનટેક, AI, ડેટા અને ઇનોવેશનની ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે.
ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, કેપિટલ માર્કેટ્સ, ફંડ મેનેજમેન્ટસ, ઇન્સ્યોરન્સ, એરક્રાફ્ટ લીઝીંગ અને શીપ લીઝીંગ તેમજ અન્ય વૈશ્વિક નાણાંકીય સેવાઓ માટેની ઇકોસિસ્ટમ વિકસી હોવાની વિગતો પણ મુખ્યમંત્રીએ આપી હતી.
આ ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગિફ્ટ સિટીના એમડી અને ગૃપ CEO સંજય કૌલ, વર્લ્ડ બેંકના સાઉથ એશયાના વાઈસ પ્રેસિડેન્ટ જોહાન્સ ઝટ્ટ, IFCના એશિયા-પેસિફિક ક્ષેત્રના રિજનલ વાઇસ પ્રેસિડેન્ટ રિકાર્ડો પુલીતી, MIGAના વાઈસ પ્રેસિડેન્ટ જુનેદ કમાલ અહેમદ, IMFના એશિયાપેસિફિક ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ક્રિષ્ના શ્રીનિવાસન તથા ભારતનું પ્રતિનિધિત્વ કરતા વર્લ્ડ બેંક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના સિનિયર એડવાઈઝર હેમાંગ જાની સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
