હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિંદ મહાસાગરમાં ભારતનો મોટો દાવ: મોરેશિયસ સાથે ઐતિહાસિક ફ્યુઅલ ડીલ : હવે ભારત પૂરૂં પાડશે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ઇંધણ!
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ અને દરિયાઈ વિવાદો વચ્ચે મોરેશિયસની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા મોટો કરાર : દક્ષિણ એશિયા બહાર ભારતીય સરકારી ઓઇલ કંપની સાથે આવી ડીલ કરનાર મોરેશિયસ પ્રથમ દેશ બન્યો

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે તેલ પુરવઠાની કટોકટી અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં પોતાની વ્યૂહાત્મક પકડ વધુ મજબૂત કરી છે. પડોશી દેશ મોરેશિયસની ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ભારતે એક ઐતિહાસિક અને લાંબા ગાળાના ઇંધણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીની મોરેશિયસ મુલાકાત દરમિયાન આ મોટી ડીલ આખરી ઓપ પામી છે. આ કરાર હેઠળ ભારત હવે મોરેશિયસને પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) નો વિશાળ જથ્થો સપ્લાય કરશે, જેનાથી આ નાનકડા ટાપુ દેશને ઇંધણની અછતનો સામનો નહીં કરવો પડે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને મોરેશિયસ સરકાર વચ્ચે થયેલો આ કરાર માત્ર વ્યાપારી વેપાર નથી, પરંતુ એક મોટો રાજદ્વારી વિજય છે. દક્ષિણ એશિયા બહાર મોરેશિયસ એવો પ્રથમ દેશ બન્યો છે જેણે ભારતની સરકારી તેલ કંપની સાથે આ પ્રકારનો સીધો ખરીદ-વેચાણ કરાર કર્યો છે. હોર્મુઝ નજીક વધતા સંઘર્ષોને કારણે વૈશ્વિક તેલ શિપમેન્ટ ખોરવાઈ રહ્યું છે ત્યારે ભારત અને મોરેશિયસ વચ્ચેની આ ગવર્નમેન્ટ-ટુ-ગવર્નમેન્ટ (G2G) ભાગીદારી પશ્ચિમ એશિયા પરની નિર્ભરતા ઘટાડશે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરની 'સાગર' નીતિનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે.
ઇંધણ પુરવઠા ઉપરાંત ભારત મોરેશિયસમાં ગ્રીન એનર્જી અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ મોટું રોકાણ કરી રહ્યું છે. ભારતીય સરકારી કંપની મોરેશિયસમાં દેશનો પ્રથમ તરતો સૌર ઊર્જા તૈયાર કરી રહી છે, જ્યારે હેનરીટા ખાતે ૮-મેગાવોટનો સોલાર પ્લાન્ટ પણ આ ભાગીદારીનું જ પરિણામ છે. આ સિવાય ભારત દ્વારા મોરેશિયસને ઇ-બસો જેવા પર્યાવરણ-અનુકૂળ જાહેર પરિવહન માટે પણ સતત મદદ મળી રહી છે. આ કરારથી હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતનો દબદબો વધશે અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનીને 'ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારી' ના નવા શિખરો સર કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
