વિશાખાપટ્ટનમમાં શર્મસાર કરતી ઘટના: હોમવર્ક ન કરવા બદલ શિક્ષકે થપ્પડ મારતા ૬ વર્ષનો માસૂમ બેભાન થયો : હોસ્પિટલમાં દમ તોડ્યો!
શાળા પ્રશાસનની ઘોર બેદરકારી અને સત્ય છુપાવવાના પ્રયાસથી પરિવારમાં ભારે રોષ : સીસીટીવી ફૂટેજમાં શિક્ષકની હિંસક કરતૂત કેદ થયા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી માનવતાને શરમસમાવતો અને વાલીઓના કાળજા કંપાવી દે તેવો એક અત્યંત દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા માત્ર છ વર્ષના બાળકનું મહિલા વર્ગ શિક્ષિકાના શારીરિક ત્રાસને કારણે કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, બાળકે પોતાનું હોમવર્ક પૂર્ણ કર્યું ન હોવાથી ક્રોધે ભરાયેલી શિક્ષિકાએ તેને જોરથી થપ્પડ મારી દીધી હતી અને તેનો શર્ટ પકડીને આંચકો આપ્યો હતો. આ હિંસક વર્તનને કારણે માસૂમ બાળક ભારે ડર અને આઘાતમાં અચાનક વર્ગખંડમાં જ બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની ગંભીરતા ત્યારે વધુ વધી જ્યારે વર્ગખંડના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા. આ ફૂટેજમાં મહિલા શિક્ષિકા બાળક પર હુમલો કરતી અને ત્યારબાદ બાળક રડતાં-રડતાં બેભાન થતું સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઘટના બાદ શાળા પ્રશાસનની ભૂમિકા પણ અત્યંત શંકાસ્પદ રહી છે. બાળકના પિતા અને પરિવારજનોનો ગંભીર આરોપ છે કે બાળક બેભાન થયા બાદ શાળા પાસે ફોન નંબર હોવા છતાં વાલીને તાત્કાલિક જાણ કરવામાં આવી ન હતી. આ ઉપરાંત, કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં બાળકને દાખલ કરતી વખતે શાળાના સ્ટાફે એવું જુઠ્ઠાણું ચલાવવાનો પ્રયાસ કર્યો હતો કે બાળક રમતગમતના મેદાનમાં પડી ગયું હતું, જ્યારે હકીકતમાં શાળા પાસે કોઈ રમતનું મેદાન જ નથી!
હાલમાં વિશાખાપટ્ટનમના વન ટાઉન પોલીસ સ્ટેશનમાં શાળા મેનેજમેન્ટ અને આરોપી શિક્ષિકા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને ઘટના સ્થળે હાજર અન્ય કર્મચારીઓ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ શરૂ કરી છે. માસૂમના રહસ્યમય અને આઘાતજનક મૃત્યુનું ચોક્કસ તબીબી કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ, માસૂમના શોકગ્રસ્ત પરિવારે હોસ્પિટલ બહાર ભારે વિરોધ પ્રદર્શન કરીને દોષિત શિક્ષિકાની તાત્કાલિક ધરપકડ કરવાની અને શાળાનું રજીસ્ટ્રેશન રદ કરી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
