<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

પુખ્‍ત વયના વ્‍યક્‍તિના લિવ-ઇન સંબંધમાં માતા-પિતા દખલ ન કરી શકે

લગ્ન ન કયાં હોવા છતાં પુખ્‍ત લોકોને પોતાની ઇચ્‍છાથી સાથે રહેવાનો સંપૂર્ણ અધિકારઃ હાઈકોર્ટ

નવી દિલ્‍હી,તા.૨૧: દિલ્‍હી હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્‍યું છે કે પુખ્‍ત વયની વ્‍યક્‍તિઓ વચ્‍ચેનું ‘લિવ-ઈન રિલેશનશિપ' પણ લગ્ન સમાન છે તથા માતા-પિતા કે મિત્રો તેમની પસંદગીમાં દખલ કરી શકે નહીં અને તેમના જીવને જોખમમાં મૂકી યુવતીના પરિવારની ધમકીઓનો સામનો કરી રહેલા એક લિવ-ઇન કપલને પોલીસ સુરક્ષા આપતાં જાસ્‍ટિસ સૌરભ બેનર્જીએ જણાવ્‍યું હતું કે બંને પુખ્‍ત વયના છે અને પોતાની સહમતીથી સંબંધ છે. તેથી તેમને પોતાની પસંદગીના જીવનસાથી સાથે પસંદગી મુજબ રહેવાનો સંપૂર્ણ અધિકાર છે અને કોઈ અન્‍ય વ્‍યક્‍તિ તેમાં દખલ કરી શકે નહીં.

લિવ-ઇન કપલન અરજી પર ૧૩ ઓગસ્‍ટે આપેલા આદેશમાં જજે અવલોકન કર્યું હતું કે જ્ઞાતિ, સંપ્રદાય, વર્ણ, ધર્મ કે આસ્‍થાને ધ્‍યાનમાં લીધા વગર પુખ્‍ત વયના વ્‍યક્‍તિઓના લગ્નોની માન્‍યતા આપવામાં આવે છે.

સામાજિક નૈતિક્‍તા અને પૂર્વગ્રહોથી તેમના મૂળભૂત અધિકારોમાં કાપ મૂકી શકાય નહીં. કોર્ટે જણાવ્‍યું હતું કે અરજદારો પોતાની ઇચ્‍છા અને સહમતીથી તથા સંપૂર્ણ જવાબદારીપૂર્વક એકબીજા સાથે લિવ-ઈન સંબંધમાં રહેવાનું પસંદ કર્યું છે. તેથી તેમના માતા-પિતા, સંબંધીઓ કે મિત્રો સહિત કોઈને પણ તેમની પસંદગીમાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી કરવાનો અથવા દખલ કરવાનો અધિકાર નથી. કોઈને પણ આવા કપલના જીવન કે સ્‍વતંત્રતાને ધમકી આપવાનો તો બિલકુલ હક નથી. બંને અરજદારો લિવ-ઈન સંબંધમાં છે અને કાયદેસર રીતે એકબીજા સાથે લગ્ન કર્યા નથી, પરંતુ બંને સહમતીથી સાથે રહેતા પુખ્‍ત વયના વ્‍યક્‍તિઓ છે, તેથી તેમનો સંબંધ લગ્ન સમાન છે. અરજદાર કપલે કોર્ટને જણાવ્‍યું હતું કે તેઓ થોડા સમયથી સાથે રહે છે અને એકબીજા સાથે લગ્ન કરવાની પણ ઇચ્‍છા ધરાવે છે. જોકે યુવતીના પિતા અને ભાઈ તેમના સંબંધથી ખુશ નહોતાં અને સતત બંનેને હિસાની ધમકી આપતાં હતાં.

કોર્ટે જણાવ્‍યું હતુ કે સુપ્રીમ કોર્ટે અગાઉ સ્‍પષ્ટ કર્યું છે કે લગ્ન ન થયા હોવા છતાં પુખ્‍ત વયના લોકોને પોતાની ઈચ્‍છા મુજબ એકબીજા સાથે રહેવાનો સંપૂર્ણ અધિકાર છે.

(10:31 AM IST)