હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનું જ્ઞાન ન ધરાવતા ઓટો-ટેક્સી ચાલકો સામે પરિવહન વિભાગની લાલ આંખ: પ્રથમ દિવસે જ રાજ્યભરમાંથી ૧,૨૬૮ વાહનચાલકોને ફટકારાઈ આકરી કારણદર્શક નોટિસ
મુસાફરોની સુરક્ષા અને પ્રાદેશિક ભાષાના સન્માન માટે આરટીઓ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા શરૂ કરાઈ સઘન તપાસ ઝુંબેશ; એક મહિનામાં મરાઠી ન શીખનાર ચાલકોના બેજ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાશે, બીજા ઉલ્લંઘન પર લાઈસન્સ રદ કરવાની ચિમકી

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં જાહેર પરિવહન સેવાઓ સાથે સંકળાયેલા કોમર્શિયલ વાહનચાલકો માટે મરાઠી ભાષાનું વ્યાવહારિક જ્ઞાન હોવું અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે. આ નવા નિયમનું પાલન કરાવવા માટે રાજ્યના પરિવહન વિભાગ દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં હાથ ધરવામાં આવેલા વિશેષ તપાસ અભિયાનના પ્રથમ દિવસે જ નિયમભંગ કરનારા ૧,૨૬૮ ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ અંગેની સત્તાવાર માહિતી આપતા સ્પષ્ટ કર્યું છે કે, મરાઠી ભાષાનું જ્ઞાન એ માત્ર નિયમ નથી પરંતુ મુસાફરોની સુવિધા અને સુરક્ષા સાથે જોડાયેલી અત્યંત મહત્વપૂર્ણ બાબત છે.
મહારાષ્ટ્ર મોટર વાહન નિયમ, ૧૯૮૯માં કરવામાં આવેલા સુધારા મુજબ, રાજ્યમાં ઓટો રિક્ષા અથવા ટેક્સી ચલાવવા માટે મરાઠી ભાષાનું મૂળભૂત જ્ઞાન હોવું કાયદાકીય રીતે જરૂરી છે. પરિવહન વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન પ્રથમ દિવસે જ કુલ ૮,૨૧૭ ચાલકોની મરાઠી ભાષાની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) ક્ષેત્રમાં ૩,૯૯૫ ચાલકોની તપાસ કરાઈ હતી, જેમાં ૬૦૪ ચાલકો મરાઠી ભાષા બોલવા કે સમજવામાં અસમર્થ જણાતા તેમને નોટિસ પાઠવવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં ૪,૨૨૨ ચાલકોમાંથી ૬૬૪ ચાલકો સામે આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.
આરટીઓ સત્તાવાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ૧૬ પ્રશ્નોના વ્યવહારુ પ્રશ્નાવલીના આધારે ચાલકોની મરાઠી ભાષાની પરખ કરવામાં આવી રહી છે. જેમાં મુસાફરો સાથે ભાડું, રસ્તો, મીટર ચાલુ કરવાનો આગ્રહ, સીએનજી પુરાવવા થોભવું કે શેરિંગ વ્યવસ્થા અંગે વાતચીત કરવા જેવા રોજીંદા પ્રસંગોનો સમાવેશ થાય છે. તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ આરટીઓ અધિકારીઓને વિડિયો રેકોર્ડિંગ કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. નોટિસ મળેલા તમામ વાહનચાલકોને મરાઠી ભાષા શીખવા માટે એક મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે.
પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, જો આ ચાલકો એક મહિનાના સમયગાળામાં નિયમ મુજબ મરાઠી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જશે, તો તેમના બેજ અને ડ્રાઈવિંગ લાઈસન્સને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ત્યારબાદ પણ નિયમનું અનાદર ચાલુ રહેશે તો તેમના લાઈસન્સ કાયમી ધોરણે રદ કરવાની આકરી જોગવાઈ અમલમાં મૂકાશે. આ સમગ્ર તપાસ ઝુંબેશ આવનારી ૩૦ સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં સતત ચાલુ રાખવામાં આવશે.
સરકારના આ નિર્ણય પાછળ કોઈની રોજીરોટી છીનવવાનો ઈરાદા નથી પરંતુ મહારાષ્ટ્રની ભાષા, સંસ્કૃતિ અને ઓળખનું જતન કરવાનો છે તેમ જણાવતા મંત્રી સરનાઈકે ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં ૧.૬૫ લાખથી વધુ ચાલકોએ મરાઠી ભાષાનો તાલીમ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પ્રમાણપત્ર મેળવી લીધા છે. બીજી તરફ, કેટલીક ટેક્સી યુનિયનો દ્વારા 'વ્યાવહારિક જ્ઞાન' ની સ્પષ્ટ વ્યાખ્યા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ પરિવહન વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે પ્રાદેશિક ભાષાનું સન્માન અને મુસાફરો સાથે સરળ સંવાદ સ્થાપવો એ તમામ વ્યાવસાયિક ચાલકો માટે ફરજિયાત રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
