<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

તમારી હયાતિમાં તમારી પત્‍નિને વિધવા બનવાનું શીખવો

એક લેખમાં સરસ વાક્‍ય હતું: તમારી હયાતિમાં તમારી પત્‍નીને વિધવા બનવાનું શીખવો!!

પ્રથમ દ્રષ્ટિએ વાક્‍ય આકરું લાગે પણ સુરેશ ભાઈએ લેખમાં વિશ્‍લેષણ કરતાં લખ્‍યું છે કે..

અચાનક જ એક દિવસ પતિનું મૃત્‍યુ થાય છે. ભારતીય સમાજ વ્‍યવસ્‍થા પુરુષ પ્રધાન હોવાથી બેંક, વીમા, દસ્‍તાવેજ, સરકારી ઓફિસોનાં કામો પુરુષ કરતાં હોય છે.

પત્‍ની ઘર, સંતાન ઉછેર અને રસોડામાંથી પરવારતી નથી હોતી.

સંતાનો મોટાં થઈ જાય એનાં લગ્ન થઇ જાય પછી એની દુનિયામાં વ્‍યસ્‍ત થઈ જાય/ ઉંમરનાં કારણે જનરેશન ગેપ થઈ જાય. આ સ્‍થિતિમાં સંતાનો માં-બાપને થોડોક સમય આપવો જોઈએ એટલી તૃચ્‍છ ઈચ્‍છા પણ સંતોષી શકતાં નથી.

મોટી ઉંમરે પત્‍ની બેંક, પોસ્‍ટમાં જઈ પૈસા કેમ ઉપાડવા, વિમાની રકમ કેમ મેળવવી, ઘરનાં દસ્‍તાવેજ કેમ કરવાં, વિલ કેમ બનાવવા...?...આ બધાંથી અજાણ હોય છે.

પતિ પૈસા મૂકીને ગયો હોવા છતાં સંતાનોનાં સહારે રહીને એને કાલાવાલા કરવા પડે છે. એને જાત્રાએ જવું હોય તો રેલવેનું રિઝર્વેશન કેમ કરવું એની આવડત હોતી નથી.

આ સ્‍થિતિમાં પત્‍નીનું જીવતર દોજખ બની જાય છે. એ છેલ્‍લે...મૃત્‍યુની પ્રતીક્ષા કરતી હોય છે.

આવી સ્‍થિતિ ન આવી પડે એટલા માટે સુરેશ દલાલ લખે છે કે...પતિએ તેની હયાતિમાં આવાં બધાં કામ પત્‍નીને શીખવી દેવાં જોઈએ...જેથી એ ઓશિયાળી ન બની જાય.

સુરેશ ભાઈ આવાં અર્થમાં લખે છે કે...વિધવા બનતાં શીખવાડો જેથી એની બાકીની જીંદગી સહ્ય બની શકે!

આજ અર્થમાં પતિએ પણ વિધુર કેમ બનવું તે શીખી લેવું હવે જરૂરી બની ગયું છે. કોણ જાણે કોણ વહેલું જતું રહેશે...?

જે રીતે પતિનાં મૃત્‍યુ પછી પત્‍ની હેરાન થાય છે એવી જ હાલત પત્‍ની વગર પતિની પણ થાય છે.

દિકરાની વહુ સાચવે એવી હોય તો બહું વાંધો નથી આવતો અન્‍યથા બપોરની ચા માટે પણ વલખા મારવાં પડે છે.

માટે પુરુષોએ મોટી ઉંમરે ઘરનાં કામ જાતે કરતાં શીખી લેવું જોઈએ. પાણી ગરમ કરવું, ચા કોફી બનાવવી, જરૂર પુરતી રસોઈ જાતે બનાવતાં શીખી લેવું જોઈએ.

સૌથી અગત્‍યનું માનસિક રીતે એકલાં રહેતાં રહેવાનું શીખી લેવું જોઈએ. ધર્મ ધ્‍યાન, આધ્‍યાત્‍મિક બાબતોમાં રસ લેવો જોઈએ...જેને કારણે સંતાનો અવજ્ઞા કરે તો પણ પત્‍ની વગર શાંતિથી જીવી મૃત્‍યુ સુધીનું જીવન આસાનીથી પુરું કરી શકે!!(સોશ્‍યલ મિડીયામાં વાયરલ થયેલ અહેવાલ સાભાર આ અહેવાલ સોશ્‍યલ મિડીયામાં સ્‍વ.સુરેશ દલાલ, સ્‍વ.ચંદ્રકાંન બક્ષીજીના નામે ફરતો રહ્યો છે, તેનો કોઈ વિશ્વસનીય સ્‍ત્રોત મળતો નથી. પરંતુ ‘ ટીચ યોર વાઈફ ટુ બી વીડો' નામનું પુસ્‍તક ૧૯૫૩ના અમેરિકન લેખક અને ન્‍યુયોર્ક હેરાલ્‍ડ ટ્રીબ્‍યુનના નાણાકીય સંપાદક ડોનાલ્‍ડ જે. રોજર્સે લખેલ પ્રસિધ્‍ધ થયું હતું. અમેરિકન બેન્‍કર્સ એસો.ના ૧૯૫૩માં ‘બેન્‍કીંગ' સામયિકમાં પુસ્‍તકનું નામ, લેખક અને વિષય બાબતે સ્‍પષ્‍ટ લખાયેલ છે કે વસિયત, રોકાણ, વીમો, ટ્રસ્‍ટ વગેરેની જાણ પત્‍નિને હોવી જોઈએ તે જ તેનો મૂળ વિષય હતો. ૧૯૫૬ની કિરકસ સમીક્ષામાં પણ રોજર્સના પુસ્‍તકનો સ્‍પષ્‍ટ ઉલ્લેખ જોવા મળે છે.)

(10:47 AM IST)