<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

હવે જંતર-મંતર પર ‘અનામત હટાવો આંદોલન' UGCના નિયમો સામે પણ ઉગ્ર વિરોધ

પોલીસે જંતર-મંતર પર ચુસ્‍ત બેરિકેડિંગ કરી દેખાવકારોને રોકયાઃ રામલીલા મેદાન ખાતે શરતો સાથે સાંજે ૪ વાગ્‍યા સુધી શાંતિપૂર્ણ આંદોલનની આપી મંજૂરી : NEET પેપર લીક મુદ્દે CJP ના સફળ આંદોલન બાદ દિલ્‍હીમાં વધુ એક મોટો રાજકીય ધમાકો

નવી દિલ્‍હી, તા.૨૧: દેશની રાજધાની દિલ્‍હીનું જંતર-મંતર એકવાર ફરી ભારે વિરોધ પ્રદર્શનોનું મુખ્‍ય કેન્‍દ્ર બન્‍યું છે. તાજેતરમાં NEET પેપર લીક મામલે ‘કોકરોચ જનતા પાર્ટી' ના વિરોધ પ્રદર્શનની ગૂંજ શમી ન હતી ત્‍યાં જ હવે અનામત હટાવો આંદોલન હેઠળ સેંકડો પ્રદર્શનકારીઓ રસ્‍તા પર ઉતરી આવ્‍યા છે. દેશના વિવિધ ભાગોમાંથી યુવાનો અને નાગરિકો હાથમાં પ્‍લેકાર્ડ્‍સ તેમજ બેનરો લઈને જંતર-મંતર તરફ કૂચ કરવા લાગ્‍યા હતા. પ્રદર્શનકારીઓ દેશમાંથી તમામ પ્રકારનું અનામત નાબૂદ કરવાની સાથે યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશનના અમુક વિવાદિત નિયમો સામે જોરદાર સૂત્રોચ્‍ચાર કરી રહ્યા હતા.

જંતર-મંતર પર ભીડ બેકાબૂ બનતી જોઈને દિલ્‍હી પોલીસે તાત્‍કાલિક ધોરણે સમગ્ર વિસ્‍તારમાં ચુસ્‍ત બેરિકેડિંગ ગોઠવી દીધું હતું અને સુરક્ષા દળોનો કાફલો ખડકી દીધો હતો. સીજેપીના આંદોલનમાંથી સબક લઈને પોલીસે પ્રદર્શનકારીઓને જંતર-મંતર ખાતે એકઠા થતાં અટકાવ્‍યા હતા. અહેવાલ મુજબ, દિલ્‍હી પોલીસના સેન્‍ટ્રલ ડિસ્‍ટ્રિક્‍ટના ડીસીપી કાર્યાલયે સ્‍પષ્ટ કર્યું છે કે જંતર-મંતર પર કોઈ પ્રોટેસ્‍ટ કે સરઘસની મંજૂરી આપવામાં આવી નથી. તેના બદલે, પોલીસે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે રામલીલા મેદાન ખાતે સાંજે ૪ વાગ્‍યા સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન માટેનું નો-ઓબ્‍જેક્‍શન સર્ટિફિકેટ આપ્‍યું છે.

પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી શરતો અનુસાર, રામલીલા મેદાન ખાતે યોજાનારા આ પ્રદર્શનમાં વધુમાં વધુ ૫૦૦ લોકોને જ ભેગા થવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્‍થળ પર રાત્રિ રોકાણ કે અન્‍ય કોઈ સરઘસ કાઢવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા આ ડિજિટલ અભિયાને હવે જમીની આંદોલનનું રૂપ ધારણ કરી લીધું છે. પોલીસે સ્‍પષ્ટ ચેતવણી આપી છે કે જો આંદોલનકારીઓ દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરાશે, તો આપવામાં આવેલી મંજૂરી તુરંત રદ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

(2:57 PM IST)